ભારતે (India) સારી રમતના આધારે ઓવલ ખાતે (Oval) રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 157 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતના બોલરોથી માંડીને બેટ્સમેનોએ જોરદાર રમત બતાવી હતી. રોહિત શર્મા (Rohit Sharma), શાર્દુલ ઠાકુર (Shardul Thakur) અને જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah), જે ભારતની આ જીતના ત્રણ મહત્વના હિરો હતા. તેમને પણ ચોથી ટેસ્ટ મેચમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનનું ફળ મળ્યું છે. આઈસીસીના નવીન રેન્કિંગ (ICC Test Ranking)માં બંનેને ફાયદો થયો છે.
રોહિત ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં પાંચમા સ્થાને છે, પરંતુ તેણે 800નો આંકડો પાર કરી લીધો છે. આ પ્રથમ વખત છે, જ્યારે રોહિતે ટેસ્ટ રેન્કિંગમાં 800 રેટિંગ પોઈન્ટનો આંકડો પાર કર્યો છે. રોહિતે ચોથી મેચમાં ભારતની બીજી ઈનિંગમાં 127 રન બનાવ્યા હતા. વિદેશી ધરતી પર તેની પ્રથમ ટેસ્ટ સદી પણ હતી. જો રુટ બેટ્સમેનોની રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. તેના પછી કેન વિલિયમસન, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન છે. કેપ્ટન વિરાટ કોહલીનું નામ રોહિતના નામ પછી છે.
બુમરાહે બોલિંગમાં અદભૂત પ્રદર્શન કર્યું. મેચની ચોથી ઈનિંગમાં તેણે છ ઓવરના સ્પેલને ટીમ ઈન્ડિયાની જીતનો માર્ગ ખોલી દીધો હતો. બુમરાહે છ ઓવરમાં માત્ર છ રન આપ્યા અને બે મહત્વની વિકેટ લીધી. તેણે ઈંગ્લેન્ડના પ્રથમ દાવના હિરો ઓલી પોપને આઉટ કર્યો અને પછી જોની બેયરસ્ટોની વિકેટ લીધી. બુમરાહને આનો ફાયદો મળ્યો છે. તે બોલરોની રેન્કિંગમાં 10માં સ્થાનેથી નવમાં સ્થાને પહોંચી ગયો છે.
બુમરાહે વેસ્ટ ઈન્ડીઝના જેસન હોલ્ડરને નવમા સ્થાનેથી હટાવી દીધો છે. બુમરાહના 771 પોઈન્ટ છે. પ્રથમ સ્થાને પેટ કમિન્સ અને બીજા સ્થાને રવિચંદ્રન અશ્વિન છે. ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન એક સ્થાન ગુમાવીને સાતમા નંબરે આવી ગયા છે. દક્ષિણ આફ્રિકાના કાગિસો રબાડાએ તેને છઠ્ઠા સ્થાન પરથી હટાવી દીધો છે. ન્યૂઝીલેન્ડનો નીલ વેગનર એક સ્થાન આગળ વધીને પાંચમા સ્થાને પહોંચી ગયો છે.
શાર્દુલ ઠાકુર, જે એક બોલર તરીકે ટીમમાં જોડાયો હતો, તેણે ઓવલમાં તેના બોલ કરતાં બેટથી વધુ તબાહી મચાવી દીધી હતી. તેણે બંને ઈનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. ઠાકુરે પ્રથમ દાવમાં 57 રન અને બીજા દાવમાં 60 રન બનાવ્યા હતા. તેના આ પ્રદર્શનથી તેને ટેસ્ટ ઓલરાઉન્ડરની રેન્કિંગમાં ફાયદો થયો છે. ઠાકુર આ રેન્કિંગમાં 20માં સ્થાને પહોંચ્યો છે.
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સને પણ ઓલરાઉન્ડર રેન્કિંગમાં ફાયદો થયો છે. તે 10માં સ્થાને આવ્યો છે. વોક્સે પ્રથમ દાવમાં ભારતની ચાર વિકેટ લીધી હતી. તેણે ફરીથી બેટથી અદભૂત પ્રદર્શન કર્યું અને 50 રનની ઈનિંગ રમી.
Published On - 6:37 pm, Wed, 8 September 21