ICCએ મેન્સ ટી20 વિશ્વ કપનો (ICC Men’s T20 World Cup) શેડ્યૂલ જાહેર કરી દીધો છે. ટૂર્નામેન્ટનું આયોજન આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી 13 નવેમ્બરની વચ્ચે થશે. જેના મેજબાન 7 શહેર થશે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ MCG પર રમાશે. પ્રથમ 6 દિવસ એટલે કે 16 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડની મેચ થશે. ત્યારબાદ 22 ઓક્ટોબરથી સુપર 12ની મેચ શરૂ થશે. સુપર 12ની શરૂઆત ધમાકેદાર હશે, જ્યાં પ્રથમ મેચમાં ગયા વર્ષની બે ફાઈનલિસ્ટ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ (Australia vs New Zealand) ની ટીમો આમને-સામને રહેશે, ત્યારે 23 ઓક્ટોબરે બે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે રોમાંચ જોવા મળશે. આ મેચ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર જ થશે.
સુપર 12 માટે ટીમોને બે ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે. ગ્રુપ 1માં હાલ ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ છે. ત્યારે ગ્રુપ 2માં ભારત, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ છે. આ 8 ટીમ સિવાય વધુ 4 ટીમ ફર્સ્ટ રાઉન્ડના પરિણામ બાદ સુપર 12માં એન્ટર થશે. ટી20 વિશ્વ કપની છેલ્લી સિઝનની જેમ આ વખતે પણ ટૂર્નામેન્ટમાં 16 ટીમ ભાગ લઈ રહી છે. જેમની વચ્ચે 45 મેચ રમાશે.
સુપર 12ની મેચ 22 ઓક્ટોબરથી શરૂ થઈ 6 નવેમ્બરે પરિણામ સુધી પહોંચશે. સુપર 12ની મેચ બ્રિસબેન, પર્થ, એડિલેડ, સિડની અને મેલબોર્નમાં રમાશે. ત્યારે હોબાર્ટ અને ગિલોન્ગ ફર્સ્ટ રાઉન્ડના મેચની મેજબાની કરશે. ભારતની તમામ મેચ મેલબોર્ન, સિડની, પર્થ અને એડિલેડમાં રમાશે. એટલે કે ભારતીય ટીમ સુપર 12 સુધી બ્રિસબેનમાં કોઈ મેચ નહીં રમે.
ટી20 વિશ્વ કપમાં ભારત પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે. MCG પર રમાનારી આ મેચ બાદ 27 ઓક્ટોબરે બીજી મેચ ફર્સ્ટ રાઉન્ડના ગ્રુપ એની રનરઅપ ટીમ સાથે સિડનીમાં થશે. 30 ઓક્ટોબરે ભારત ત્રીજી મેચ સાઉથ આફ્રિકા સામે પર્થમાં રમશે. ત્યારે 2 નવેમ્બરે પોતાની ચોથી મેચમાં એડિલેડમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. જ્યારે સુપર 12ની છેલ્લી મેચ ભારત 6 નવેમ્બરે ગ્રુપ બીની રનરઅપ ટીમની સાથે મેલબોર્નમાં રમશે.
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર 9 નવેમ્બરે ટી20 વિશ્વ કપની પ્રથમ સેમિફાઈનલ મેચ રમાશે. જ્યારે બીજી સેમિફાઈનલ મેચ એડિલેડ ઓવલ પર રમાશે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 1 લાખ દર્શકોની ક્ષમતાવાળા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.