તાજેતરમાં, ઓસ્ટ્રેલિયાએ લંડનના ધ ઓવલ ખાતે ભારતને 209 રને હરાવ્યું અને બીજી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું. હવે ICCએ ત્રીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ત્રીજી ટેસ્ટ ચેમ્પિયનશિપ એશિઝ 2023થી શરૂ થઈ રહી છે. એશિઝ 16 જૂનથી શરૂ થઈ રહી છે. આ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સના મેદાન પર રમાશે.
એશિઝ શ્રેણીથી શરૂ થતી આ ત્રીજી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કુલ 27 શ્રેણીમાં 68 મેચો રમાશે. આ ચેમ્પિયનશિપમાં બાંગ્લાદેશ, ભારત, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા ભાગ લેશે.
The new ICC World Test Championship cycle begins with the #Ashes on 16 June.
Details 👇https://t.co/13OfPcY6WS
— ICC (@ICC) June 14, 2023
દરેક ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પાંચ મેચની બે ટેસ્ટ શ્રેણી હશે. નવ ટીમો છ શ્રેણી રમશે, જેમાં ત્રણ ઘરઆંગણે અને ત્રણ વિદેશમાં રહેશે. આ ટેસ્ટ ચેમ્પિયનશિપના અંતે, પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમો 2025માં લોર્ડ્સમાં ફાઈનલ રમશે. આ ચક્રમાં એશિઝ ઉપરાંત ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી શ્રેણી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી હશે. આ ઉપરાંત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બોર્ડર ગાવસ્કર ટ્રોફી પણ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી હશે. 1992 પછી આ પ્રથમ વખત આ શ્રેણી પાંચ મેચોની હશે.અત્યાર સુધી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ચાર મેચોની જ હતી.
🚨 NEWS 🚨
2️⃣ Tests
3️⃣ ODIs
5️⃣ T20IsHere’s the schedule of India’s Tour of West Indies 🔽#TeamIndia | #WIvIND pic.twitter.com/U7qwSBzg84
— BCCI (@BCCI) June 12, 2023
બીજી તરફ ભારતીય ટીમના શેડ્યૂલ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે ત્રણ ટેસ્ટ, ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ, બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ ઘરઆંગણે રમશે. જ્યારે વિદેશમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે પાંચ, વેસ્ટ ઈન્ડિઝ સામે બે અને દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ રમશે. ભારતીય ટીમ જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જઈ રહી છે અને અહીં તેના ટેસ્ટ ચેમ્પિયનશિપ અભિયાનની શરૂઆત બે ટેસ્ટ મેચની શ્રેણીથી કરશે. પ્રથમ મેચ ડોમિનિકામાં 12 થી 16 જુલાઈ સુધી અને બીજી ટેસ્ટ ત્રિનિદાદમાં 20 થી 24 જુલાઈ સુધી રમાશે.
આ પણ વાંચોઃ BCCIએ અર્જુન તેંડુલકરને NCAમાં બોલાવ્યો, ત્રણ અઠવાડિયા ખાસ ટ્રેનિંગ કેમ્પમાં લેશે ભાગ
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયા ડિસેમ્બર-જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમ આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ભારતના પ્રવાસે આવશે અને પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમશે. આ પછી ભારત સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024માં બાંગ્લાદેશની યજમાની કરશે. બાંગ્લાદેશ બાદ ભારત ન્યુઝીલેન્ડનું યજમાન બનશે. ત્યારબાદ નવેમ્બર 2024થી જાન્યુઆરી 2025 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાશે અને તેની સાથે જ તેનો ટેસ્ટ ચેમ્પિયનશિપનો અંત આવશે.