
વન ડે વર્લ્ડ કપ 2023ના ક્વોલિફાયર રાઉન્ડ હાલ ઝીમ્બાબ્વેમાં ચાલી રહ્યા છે. આ દરમિયાન એક ભયાનક અકસ્માત મેદાન નજીક સર્જાયો હતો. મંગળવારે રાત્રે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા હતા. ESPNcricinfo દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી.
20 જૂનના રોજ ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ વચ્ચેની મેચના છ કલાક બાદ મેદાનના દક્ષિણ છેડે આગ લાગવાની ઘટના બની હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો હરારે સ્પોર્ટ્સ ક્લબની નજીકનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
20 જૂનના રોજ આગ લાગી હતી, પરંતુ તાજેતરમાં સ્ટેડિયમના સત્તાવાળાઓએ ખાતરી કરી છે કે 20 જૂને લાગેલી આગના કારણે મેદાનને કોઈ નુકસાન થયું નથી. આ ઘટના બાદ ICC અને ઝિમ્બાબ્વે ક્રિકેટની સુરક્ષા ટીમે સમગ્ર મેદાનનું નિરીક્ષણ કર્યું હતું. સંપૂર્ણ તપાસ કર્યા બાદ આખરે નિર્ણય લેવામાં આવ્યો હતો કે આગામી વર્લ્ડ કપ મેચોના આયોજન માટે આ સ્થળને મંજૂરી આપવામાં આવી દીધી છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનને મોટો ઝટકો, ICC-BCCIએ PCBની મેચના સ્થળ બદલવાની માંગ ફગાવી
તમને જણાવી દઈએ કે ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ વચ્ચેની મેચમાં ઝિમ્બાબ્વેએ 6 વિકેટે જીત મેળવી હતી અને નેધરલેન્ડને હારનો સામનો કરવા પડ્યો હતો. મેચના લગભગ છ કલાક પછી, મેદાનના દક્ષિણ છેડે આગની જ્વાળાઓ જોવા મળી હતી. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે આગની જ્વાળાઓ મેદાનની બહારના ઝાડ સુધી પહોંચી રહી છે અને સ્ટેન્ડની ખૂબ નજીક આવી રહી છે.
આ ઘટના દરમિયાન ઝિમ્બાબ્વે હાઉસ નામની સત્તાવાર સરકારી ઇમારતની સામે રહેતા અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્ટેન્ડને નુકસાન થાય તે પહેલા તેમણે આગને બુઝાવી દીધી હતી. આ મેદાન હવે દર્શકોને મેચ નિહાળવા માટે સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું છે અને ફરીથી અહીં મેચ રમવા માટે પણ મંજૂરી આપી દેવામાં આવી છે.