
ભારતીય ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી ODI મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ખૂબ જ મોંઘો સાબિત થયો હતો. તેણે 10 ઓવરમાં ભલે 3 વિકેટ ઝડપી પરંતુ 84 રન પણ લુટાવ્યા હતા.
રાણાએ ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન ડેવોન કોનવે (5), વિલ યંગ (30) અને ત્યારબાદ ક્રિશ્ચિયન ક્લાર્ક (11) ને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ 3 વિકેટ ઝડપતાની સાથે જ હર્ષિત રાણાએ ODI ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
હકીકતમાં, હર્ષિત રાણાએ 6 ફેબ્રુઆરી 2025ના રોજ વન-ડે (ODI) ડેબ્યુ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં તે 14 વનડે રમી ચૂક્યો છે અને 26 વિકેટ પોતાના નામે કરી છે. આ સાથે જ તે પ્રથમ 14 વન-ડે મેચમાં ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે.
રાણાએ પ્રસિદ્ધ કૃષ્ણા, રવિચંદ્રન અશ્વિન અને જસપ્રીત બુમરાહ જેવા સ્ટાર બોલરોને પછાડીને આ સિદ્ધિ હાંસલ કરી છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ પોતાની પ્રથમ 14 વનડે મેચમાં 25 વિકેટ ઝડપી હતી, જ્યારે રવિચંદ્રન અશ્વિન અને જસપ્રીત બુમરાહે 14 વનડે મેચમાં 24-24 વિકેટ લેવાનું પરાક્રમ કર્યું હતું.
જો પ્રથમ 14 ODI મેચમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરોની વાત કરીએ તો, અજિત અગરકર ટોચ પર છે. તેણે 14 ODI મેચમાં 32 વિકેટ ઝડપી હતી. વધુમાં ઇરફાન પઠાણ 27 વિકેટ સાથે બીજા ક્રમે છે અને હવે હર્ષિત રાણા 26 વિકેટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
ન્યૂઝીલેન્ડ સામેની હાલની 3 મેચની ODI સિરીઝમાં હર્ષિત રાણાએ 6 વિકેટ ઝડપી છે. આ પહેલા તેણે પ્રથમ મેચમાં 65 રન આપીને 2 વિકેટ અને બીજી મેચમાં 52 રન આપીને 1વિકેટ લીધી હતી.
આ સિરીઝ પછી હર્ષિત રાણાએ હવે આગામી ODI મેચ રમવા માટે લાંબી રાહ જોવી પડશે, કારણ કે આવનારા 6 મહિના સુધી ભારતીય ટીમની કોઈ ODI સિરીઝ નથી. ટીમ ઈન્ડિયા હવે ઈંગ્લેન્ડના પ્રવાસે જ ODI સિરીઝ રમશે. જણાવી દઈએ કે, જુલાઈમાં 3 મેચની આ ODI સિરીઝનું આયોજન કરવામાં આવશે.