
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) ની મુશ્કેલીઓ વધી રહી છે. તેણે બાંગ્લાદેશમાં જે કર્યું તેના માટે હવે તેની સામે આંગળી ચીંધવાનો સમય આવી ગયો છે. ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા લોકો જ તેની ટીકા કરી રહ્યા છે અને તેના પર કાર્યવાહીની માગ કરી છે. એક દિગ્ગજ ખેલાડીએ કહ્યું હતું કે, હરમનપ્રીતના કૃત્યથી ભારતીય ક્રિકેટનું નામ કલંકિત થયું છે અને આ માટે તેણે માફ કરવું યોગ્ય નથી.
ભારતની મહિલા ક્રિકેટ ટીમના બાંગ્લાદેશ પ્રવાસમાં આ ઘટના બની હતી. બંને દેશો વચ્ચેની ત્રીજી અને અંતિમ ODI મેચ દરમિયાન અને મેચ બાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરની હરકતોના કારણે બબાલ થઈ ગઈ છે અને દિગ્ગજ ખેલાડી સહિત અનેક લોકોએ આ ઘટનાની નિંદા કરી છે.
બાંગ્લાદેશ અને ભારતની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાયેલી શ્રેણીની છેલ્લી ODI ટાઈ રહી હતી. પરંતુ, આ મેચ દરમિયાન અને પછી હરમનપ્રીતે શું કર્યું તે આ મેચના પરિણામ કરતાં વધુ ચર્ચાનો વિષય બન્યો હતો. હરમનપ્રીતે પોતાની જ વિકેટ પર હંગામો મચાવ્યો હતો. તે નિર્ણયને લઈને અમ્પાયર સાથે ફસાઈ ગઈ. ગુસ્સામાં બેટ વડે વિકેટ પણ ઉડાવી, મેદાનમાં બનેલી આ ઘટનાની આગ મેદાનની બહાર પણ જોવા મળી હતી. ખાસ કરીને જ્યારે મેચ ટાઈ થયા બાદ બંને ટીમોને ટ્રોફી આપવામાં આવી, ત્યારબાદ ફોટો સેશન દરમિયાન હરમનપ્રીતે બાંગ્લાદેશની કેપ્ટનને કંઈક કહ્યું જે તદ્દન અયોગ્ય હતું.
હરમનપ્રીતે મેદાન પર જે કર્યું તેના કરતાં હરમનપ્રીતે બાંગ્લાદેશી કેપ્ટનને જે કહ્યું તે લોકોને વધુ ખરાબ લાગ્યું હતું અને હવે તેની અસર દેખાવા લાગી છે. BCCI પાસેથી હરમનપ્રીત કૌર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મદન લાલ આ માંગ ઉઠાવવામાં પ્રથમ હરોળમાં છે.
મદન લાલે ટ્વીટ કરીને BCCIને હરમનપ્રીત કૌર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું કે હરમનપ્રીતે બાંગ્લાદેશમાં જે કર્યું તેનાથી ભારતીય ક્રિકેટનું નામ બદનામ થયું છે. કોઈ પણ ખેલાડી રમતથી મોટો હોઈ શકે નહીં. તેણે જે કર્યું તે ખૂબ જ નિરાશાજનક છે.
જણાવી દઈએ કે, હરમનપ્રીત કૌરને બાંગ્લાદેશમાં તેની હરકતો બદલ તેની મેચ ફીના 75 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય 3 ડીમેરિટ પોઈન્ટ પણ કાપવામાં આવ્યા છે. પરંતુ, હવે તેના તરફથી BCCI પાસે કાર્યવાહીની માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહે છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ હવે કડક પગલાં ભરે છે કે પછી આ મુદ્દે તેમની નરમાઈ જળવાઈ રહે છે.
Published On - 5:22 pm, Mon, 24 July 23