IPL 2022 ની શરૂઆતમાં કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ચેમ્પિયન બની શકે છે. પ્રથમ સિઝન અને ટીમમાં કોઈ મોટું નામ નહી, છતાય ટીમ ઈન્ડિયા (Team India) દ્વારા બહાર કરાયેલા એક ખેલાડીને સુકાન સોંપવામાં આપવામાં આવ્યુ હતુ. જે સુકાની ઈજાઓ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો અને ફોર્મનુ પણ કોઈ ઠેકાણુ નહોતુ. પરંતુ આ બધી મુશ્કેલીઓ છતાં, ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની કપ્તાનીમાં IPL ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું હતું. ટાઇટલ જંગમાં ગુજરાતે રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું અને આ જીતના હીરો ખુદ કેપ્ટન પંડ્યા હતો. પંડ્યાએ પહેલા 3 વિકેટ લીધી અને પછી મુશ્કેલ પીચ પર 34 રનની શાનદાર ઇનિંગ રમી. જોકે પંડ્યાએ આઈપીએલ 2022 જીત્યા બાદ પોતાનું આગામી લક્ષ્ય નક્કી કર્યું છે. પંડ્યાએ કહ્યું કે હવે તેનું એક જ લક્ષ્ય છે, તે કોઈપણ કિંમતે દેશ માટે વર્લ્ડ કપ જીતવા માંગે છે.
IPL ચેમ્પિયન બન્યા બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું, ‘હું માત્ર ભારત માટે વર્લ્ડ કપ જીતવા માંગુ છું, પછી ભલે ગમે તે હોય. હું બધું દાવ પર લગાવીશ. મારી પાસે જે કંઈ હશે તે હું બલિદાન આપીશ. હું હંમેશા ટીમને આગળ રાખું છું. દેશ માટે રમવું એ મારા માટે મારું સપનું સાકાર થવાનું છે. ભલે મેં કેટલી મેચ રમી હોય. દેશનું પ્રતિનિધિત્વ કરવું એ હંમેશા ગૌરવની વાત રહી છે. દેશ માટે રમતી વખતે મને જે પ્રકારનો પ્રેમ મળ્યો છે તે અજોડ છે. દૂરનું લક્ષ્ય કહો કે નજીક. હું માત્ર દેશ માટે વર્લ્ડ કપ જીતવા માંગુ છું.
દેશે વર્લ્ડ કપ જીત્યો તે હાર્દિક પંડ્યાનું કહેવું ગયા વર્ષે યોજાયેલા ટી-20 વર્લ્ડ કપ તરફ ઈશારો કરે છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા સંપૂર્ણ રીતે ફિટ ન હોવા છતાં T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવ્યું હતું. ભારતીય ટીમ લીગ તબક્કામાં જ બહાર થઈ ગઈ હતી. તેને વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાન તરફથી પ્રથમ વખત હારનો સામનો કરવો પડ્યો હતો. ટૂર્નામેન્ટમાં કારમી હાર બાદ હાર્દિક પંડ્યા પર સવાલો ઉઠ્યા હતા અને ત્યાર બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. પંડ્યાને હજુ પણ તે ખૂબ જ સારી રીતે યાદ છે અને તે ઘા હજુ રૂઝાયા નથી.
ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ હાર્દિક પંડ્યાએ પોતાની ફિટનેસ પર ઘણી મહેનત કરી હતી. આ દરમિયાન વધુ એક વિવાદ થયો હતો. બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં પંડ્યા જાણીજોઈને તેની ફિટનેસ પર કામ કરી રહ્યો ન હોવાના આક્ષેપો થયા હતા. પંડ્યા મુંબઈમાં પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યો હતો. જો કે, અંતે, પંડ્યાએ IPL 2022 પહેલા NCAમાં ફિટનેસ ટેસ્ટ આપ્યો અને તે સરળતાથી પાસ થઈ ગયો. પંડ્યાને ગુજરાત ટાઇટન્સ દ્વારા IPL 2022 માટે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને આ ખેલાડી બેટ અને બોલની સાથે સાથે સુકાની તરીકે પણ કમાલ કરતો જોવા મળ્યો હતો. પરિણામે ગુજરાત ટાઇટન્સ ચેમ્પિયન બની હતી પરંતુ પંડ્યાનો છેલ્લો ગોલ વર્લ્ડ કપ છે.
Published On - 11:23 am, Mon, 30 May 22