હારથી હાર્દિક પંડ્યા હતાશ, ફેન્સને આપ્યો સંદેશ – આવું થવુ ના જોઈએ પણ….

ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં હાર્દિક પંડ્યાએ જબરદસ્ત અડધી સદી ફટકારી હતી, જેના આધારે ભારતે એક પડકારજનક સ્કોર બનાવ્યો હતો.

હારથી હાર્દિક પંડ્યા હતાશ, ફેન્સને આપ્યો સંદેશ - આવું થવુ ના જોઈએ પણ....
Hardik Pandya
Image Credit source: PTI
| Edited By: | Updated on: Nov 11, 2022 | 7:04 AM

T20 વર્લ્ડ કપ 2022માં ભારતની સફર એડિલેડમાં નિરાશાજનક અને કોઈ લડાઈ વિના સમાપ્ત થઈ. 10 નવેમ્બર, ગુરુવારે ઇંગ્લેન્ડ સામે રમાયેલી વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો 10 વિકેટે પરાજય થયો હતો. ટીમ ઇન્ડિયાને ટાઇટલની દાવેદાર માનવામાં આવતી હતી, પરંતુ છેલ્લા 6 T20 વર્લ્ડ કપની જેમ તે ફરી એકવાર નિષ્ફળ રહી હતી. આ સેમીફાઈનલમાં ટીમ માટે શાનદાર પ્રદર્શન કરનાર હાર્દિક પંડ્યા પોતાની નિરાશા છુપાવી શક્યો ન હતો અને ચાહકો માટે એક ખાસ સંદેશમાં દુઃખ વ્યક્ત કર્યું હતું.

આ હારથી ભારતીય પ્રશંસકોનું દિલ તો તૂટી જ ગયું, પરંતુ ખેલાડીઓથી વધુ નિરાશ અને દુઃખી ભાગ્યે જ કોઈ થયું હશે. ખાસ કરીને જ્યારે કોઈ ખેલાડી તેના તમામ પ્રયત્નો કરે છે અને તેની મહેનતનું પરિણામ મળતું નથી. સેમીફાઈનલમાં પણ હાર્દિકે ટીમ માટે એકલા હાથે સંઘર્ષ કર્યો અને ટીમને સ્પર્ધાની સ્થિતિમાં લઈ ગયો.

હાર્દિક થયો નિરાશ

આ સેમીફાઈનલમાં હાર્દિકે 33 બોલમાં 63 રનની શાનદાર ઈનિંગ રમીને ભારતને છ વિકેટે 168 રન બનાવ્યા હતા, પરંતુ ઈંગ્લેન્ડે એકપણ વિકેટ ગુમાવ્યા વિના માત્ર 16 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. હાર બાદ હાર્દિકે કહ્યું કે તે આઘાતમાં છે, દુઃખી છે, નિરાશ છે. હાર્દિકે કહ્યું,

નિરાશ, દુઃખી, આઘાતમાં. આ પરિણામ સ્વીકારવું આપણા બધા માટે મુશ્કેલ છે. અમે અમારા સાથી ખેલાડીઓ સાથેના સંબંધોનો સંપૂર્ણ આનંદ માણ્યો છે, અમે દરેક બાબતે એકબીજા માટે લડ્યા છીએ. મહિનાઓના સમર્પણ અને સખત મહેનત માટે અમારા સપોર્ટ સ્ટાફનો આભાર.

એટલું જ નહીં, હાર્દિકે ઓસ્ટ્રેલિયાના દરેક સ્ટેડિયમને ભરીને ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા આવેલા હજારો પ્રશંસકોને એક ખાસ સંદેશ પણ આપ્યો હતો. તેણે લખ્યું, અમારા ચાહકોનો આભાર જેમણે અમને દરેક જગ્યાએ સમર્થન આપ્યું, અમે તમારા બધાના આભારી છીએ. આવું થવાનું ન હતું, પરંતુ અમે લડતા રહીશું.

ભારતનો પ્રવાસ કેવો રહ્યો?

ભારતે ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી હતી અને પહેલી જ મેચમાં પાકિસ્તાનને 4 વિકેટથી હરાવ્યું હતું. આ પછી ટીમ ઈન્ડિયાએ નેધરલેન્ડ, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેને પણ હરાવ્યા હતા, જ્યારે તેને માત્ર દક્ષિણ આફ્રિકાએ હાર આપી હતી. ટીમને ઈંગ્લેન્ડ સામે જીતની દાવેદાર માનવામાં આવતી હતી, પરંતુ ટૂર્નામેન્ટની પાછલી મેચોની જેમ આ વખતે પણ બોલરો વિકેટ ના મેળવી શક્યા, જ્યારે બેટ્સમેનોએ ફરીથી નિરાશ કર્યા હતા.