ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) પહેલા વિરાટ કોહલી (Virat Kohli) ના ગ્લેન મેક્સવેલે વખાણ કર્યા છે, પરંતુ તેની સાથે તેણે એવી વાત કરી કે કદાચ તેના ચાહકોને પણ તે વાત કેટલીક હદ સુધી યોગ્ય લાગશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના આક્રમક બેટ્સમેન ગ્લેન મેક્સવેલ (Glenn maxwell) ને લાગે છે કે વિરાટ કોહલી આજકાલ સુકાનીપદના બોજ વિના “તણાવમુક્ત” જણાય છે, જે આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વિરોધી ટીમો માટે ખતરનાક સંકેત છે. જો કે તેણે એમ પણ કહ્યું કે વિરાટ કોહલીમાં હવે પહેલા જેવી આક્રમકતા રહી નથી. મેક્સવેલનું માનવું છે કે હવે કોહલી મેદાન પર જેવો આક્રમક ક્રિકેટર રહ્યો નથી જેવો તે પહેલા હતો અને આ આશ્ચર્યભર્યુ છે.
ગત વર્ષની IPL બાદ RCB ની કેપ્ટનશીપ છોડી દેનાર કોહલીએ ભારતની T20 અને ટેસ્ટ ટીમના સુકાની પદેથી પણ રાજીનામું આપ્યું હતું. જ્યારે તેને ત્યાર બાદ ટીમ ઇન્ડિયાના ODI ટીમના સુકાનીપદે થી હટાવી દેવામાં આવ્યો હતો. મેક્સવેલે RCBના પોડકાસ્ટ પર કહ્યું, ‘તે જાણે છે કે તેણે કેપ્ટનની જવાબદારી છોડી દીધી છે જે મને લાગે છે કે તેના માટે કદાચ મોટો બોજ હતો. કદાચ છેલ્લા કેટલાક સમયથી તે તેના પર બોજ હતો અને હવે તે તેનાથી મુક્ત થઈ ગયો છે, તે કદાચ વિપક્ષી ટીમ માટે ખતરનાક સમાચાર છે.
ઓસ્ટ્રેલિયાનો આક્રમક બેટ્સમેન મેક્સવેલ ખુશ છે કે કોહલી એવા તબક્કે છે જ્યાં તેને ખરેખર આનંદ થશે. તેના માટે થોડી રાહત અનુભવવી તે અદ્ભુત હશે અને તે ખરેખર કોઈપણ બાહ્ય દબાણ વિના તેની કારકિર્દીના આગામી થોડા વર્ષોનો આનંદ માણી શકશે. મને લાગે છે કે તેની સામે રમતા પહેલા તે ખૂબ જ આક્રમક સ્પર્ધક હતો જે તમને મેદાન પર જ જવાબ આપતો હતો. તેણે હંમેશા રમત પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કર્યો. વિરોધી પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કર્યો. જોકે, આ બાબત હવે દેખાતી નથી.
કોહલી છેલ્લા અઢી વર્ષથી સદી માટે તરસી રહ્યો છે, આ સિવાય ટેસ્ટ ક્રિકેટમાં તેની એવરેજ પણ 50થી નીચે આવી ગઈ છે. તાજેતરમાં જ શ્રીલંકા સામેની હોમ સિરીઝમાં પણ કોહલી 30 થી ઓછી એવરેજથી રન બનાવ્યા હતા. IPLમાં પણ કોહલીના બેટની ધાર ઓછી થઈ ગઈ છે. વિરાટે ગત સિઝનમાં માત્ર 119.46 ના સ્ટ્રાઈક રેટથી 405 રન બનાવ્યા હતા. કોહલીની સરેરાશ 28.92 છે. એક સિઝનમાં 973 રન બનાવવાનો રેકોર્ડ બનાવનાર ખેલાડી માટે આ પ્રદર્શન ખૂબ જ સામાન્ય છે.