બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે તાજેતરમાં ઐતિહાસિક શ્રેણી જીતી છે. તેણે ઘરઆંગણે પાકિસ્તાનને ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હરાવ્યું હતું. આ મોટી જીત બાદ હવે બાંગ્લાદેશને ભારતનો પ્રવાસ કરવાની છે, જ્યાં બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ મેચ રમાશે. પરંતુ આ સિરીઝ પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના એક મહત્વપૂર્ણ સભ્યએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ દિગ્ગજ ખેલાડી છેલ્લા 11 વર્ષથી બાંગ્લાદેશ ક્રિકેટમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો હતો.
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન ખાલિદ મહમૂદે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. તેની પાછળનું સૌથી મોટું કારણ દેશમાં રાજકીય પરિવર્તનો છે. જેની અસર બોર્ડની બાબતો પર પડી હતી. ખાલિદ મહમૂદ 2013માં ગાઝી અશરફ હુસૈન સામે ચૂંટણી જીતીને BCBના ડાયરેક્ટર બન્યા હતા. તેઓ અનેક ટર્મ સુધી BCBના ડાયરેક્ટર રહ્યા, પરંતુ આ વખતે તેમણે સમય પહેલા રાજીનામું આપવું પડ્યું. આ પહેલા બીસીબીના પૂર્વ અધ્યક્ષ નઝમુલ હસને પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
ખાલિદ મહમૂદે બાંગ્લાદેશ ક્રિકેટમાં ઘણું યોગદાન આપ્યું છે. તેઓ BCB ના રમત વિકાસ અધ્યક્ષ તરીકે કામ કરી ચુક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશની અંડર-19 ટીમે 2020માં ICC અંડર-19 વર્લ્ડ કપ જીતવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. જે બાંગ્લાદેશની એકમાત્ર ICC ટ્રોફી પણ છે. આ ઉપરાંત, તેણે વિવિધ પ્રસંગોએ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના વચગાળાના મુખ્ય કોચ તેમજ ટીમ મેનેજર તરીકે પણ કામ કર્યું હતું.
KHALED MAHMUD SHUJON RESIGNS! (via Barshon Kabir)
The reform of BCB continues… pic.twitter.com/WRGa3qcVcq
— Cricketangon (@cricketangon) September 11, 2024
રાજકીય પરિવર્તન બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. મહેમૂદ અને નઝમુલ ઉપરાંત, જલાલ યુનુસ, શફીઉલ આલમ ચૌધરી અને નઈમુર રહેમાન સહિત અન્ય કેટલાક બોર્ડ ડિરેક્ટરોએ પણ રાજીનામું આપવાનું નક્કી કર્યું. બીજી તરફ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો ભારત પ્રવાસ 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. એક તરફ ટીમ ઈન્ડિયા હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આગળ ચાલી રહી છે તો બીજી તરફ બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાનને હરાવીને પૂરા જોશ સાથે ભારત આવી રહી છે.
આ પણ વાંચો: વર્લ્ડ કપ 2023ના આયોજનથી ભારતને 11,637 કરોડ રૂપિયાનો ફાયદો થયો, ICCના રિપોર્ટમાં મોટો ખુલાસો