
ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર અને ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ ફરી એકવાર ચર્ચામાં છે. ઓવલ ટેસ્ટ પહેલા નાઈટક્લબમાં થયેલા વિવાદને કારણે તેને ઈંગ્લેન્ડની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે ક્રિકેટના મેદાન પર વાપસી કરવા માટે તૈયાર છે. બેન સ્ટોક્સને આગામી કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ માટે ડરહામની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ડરહામ શુક્રવારથી નોર્થમ્પ્ટનશાયર સામે મહત્વપૂર્ણ કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ રમશે. આ મેચ માટે જાહેર કરાયેલી 15 સભ્યોની ટીમમાં બેન સ્ટોક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડના ઝડપી બોલર ગુસ એટકિન્સનને પણ સ્થાનિક ક્રિકેટ રમવાની મંજૂરી મળી છે અને તે સરે તરફથી ગ્લેમોર્ગન સામે રમશે.
ડરહામની ટીમમાં કોલિન એકરમેન, ડેવિડ બેડિંગહામ, એલેક્સ લીસ, મેથ્યુ પોટ્સ, બેન રેઈન, ઓલી રોબિન્સન અને બેન સ્ટોક્સ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. બેન સ્ટોક્સની હાજરીથી ટીમને અનુભવ અને સંતુલન બંને મળશે. ચાહકો પણ લાંબા સમય બાદ બેન સ્ટોક્સને ફરી સ્પર્ધાત્મક ક્રિકેટમાં જોવા આતુર છે.
UPDATE: Ben Stokes set to return to action
He’s been named in Durham’s 15-man squad to face Northamptonshire tomorrow. pic.twitter.com/FBtIc9mJqJ
— Cricbuzz (@cricbuzz) June 18, 2026
લોર્ડ્સ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે જીત બાદ બેન સ્ટોક્સ વિવાદમાં ફસાયો હતો. અહેવાલો મુજબ તેણે ટીમના કર્ફ્યુના નિયમનો ભંગ કરી લંડનના નાઈટક્લબમાં દારૂ પીને જીતની ઉજવણી કરી હતી, અને પછી ગુસ એટકિન્સન સાથે મળીને એક રગ્બી ખેલાડી પર હુમલો કર્યો હતો. બેન સ્ટોક્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના કારણે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેને ઓવલ ટેસ્ટ માટે ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો હતો.
બેન સ્ટોક્સનો વિવાદો સાથેનો સંબંધ નવો નથી. 2011 થી લઈને 2017 સુધી તે અનેક વખત શિસ્તભંગના કેસોને લઈ ચર્ચામાં રહ્યો છે. જોકે, મેદાન પર તેની મેચ જીતાડવાની ક્ષમતાને કારણે તે હંમેશા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો મહત્વનો ખેલાડી રહ્યો છે. હવે તમામની નજર ડરહામ તરફથી રમતા તેની વાપસી પર રહેશે અને તે બેટ તથા બોલથી કેવી અસર પાડે છે તે જોવું રસપ્રદ રહેશે.