
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે. તાજેતરમાં રમાયેલી લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે 22 રનથી જીત મેળવી હતી. હવે, શ્રેણીની આગામી મેચ 23 જુલાઈથી રમાશે. પરંતુ આ મેચ પહેલા, એક સ્ટાર ખેલાડી ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જેના કારણે તેના સ્થાને ખેલાડીની જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં એક ખેલાડીનો સમાવેશ થયો છે, જેણે 8 વર્ષ પહેલા પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી.
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ચોથી ટેસ્ટ માટે ઈજાગ્રસ્ત ઓફ સ્પિનર શોએબ બશીરની જગ્યાએ 35 વર્ષીય ઓલરાઉન્ડર લિયામ ડોસનનો ટીમમાં સમાવેશ કર્યો છે. બશીરની ઈજાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જે આ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. બશીરને ડાબા હાથની આંગળીમાં ગંભીર ફ્રેક્ચર થયું છે, જેના માટે તે સર્જરી કરાવશે. લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન રવીન્દ્ર જાડેજાનો શોટ હાથમાં વાગતા તેને આ ઈજા થઈ હતી, જેના પછી તે મેદાન છોડીને બહાર ગયો હતો. જોકે, ઈજાગ્રસ્ત હોવા છતાં, તે આખી મેચ રમ્યો અને ટીમને જીત અપાવી.
Welcome, Daws!
Spinner Liam Dawson joins our squad for the Fourth Test match against India
Full story
— England Cricket (@englandcricket) July 15, 2025
બીજી તરફ, લિયામ ડોસન માટે આ એક મોટી તક છે. અનુભવી ઓલરાઉન્ડર લિયામ ડોસન અત્યાર સુધીમાં ઈંગ્લેન્ડ માટે 3 ટેસ્ટ, 6 વનડે અને 14 T20 મેચ રમી ચૂક્યો છે. તેણે ટેસ્ટમાં 7 વિકેટ લીધી છે અને 84 રન બનાવ્યા છે. તેણે ઈંગ્લેન્ડ માટે 2017માં દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. ત્યારથી તે ટેસ્ટ ટીમની બહાર હતો. પરંતુ હવે વર્ષો પછી, તેને વાપસીની તક મળી છે અને ચોથી ટેસ્ટમાં તેનું રમવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.
ટીમ ઈન્ડિયા પહેલા ઈંગ્લેન્ડની ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે 3 મેચની ODI અને T20 શ્રેણી રમી હતી. આ T20 શ્રેણી માટે ડાબોડી સ્પિન ઓલરાઉન્ડર લિયામ ડોસનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેને આ શ્રેણીમાં રમવાની તક પણ મળી, જે 3 વર્ષ પછી તેની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ પણ હતી.
આ પણ વાંચો: 13 છગ્ગા અને ચોગ્ગા… વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડમાં બતાવ્યો દમ, ટેસ્ટ મેચમાં T20ની જેમ રમ્યો