42 બોલમાં સદી, 20 ચોગ્ગા-છગ્ગા… 18 વર્ષની ખેલાડીએ સૌથી ઝડપી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ

ધ હન્ડ્રેડમાં 18 વર્ષની ખેલાડીએ સૌથી ઝડપી સદી ફટકારી હંગામો મચાવ્યો હતો. માત્ર 42 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી આ યુવા સ્ટાર ખેલાડીએ મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. 18 વર્ષની ખેલાડીએ 43 બોલમાં 101 રનની ઈનિંગમાં 15 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.

42 બોલમાં સદી, 20 ચોગ્ગા-છગ્ગા... 18 વર્ષની ખેલાડીએ સૌથી ઝડપી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Davina Perrin
Image Credit source: ESPN
| Updated on: Aug 30, 2025 | 10:13 PM

ધ હન્ડ્રેડ વિમેન્સ 2025 સિઝનના અંત પહેલા, પહેલી સદી આખરે જોવા મળી. 18 વર્ષીય યુવા બેટ્સમેન ડેવિના પેરિને લંડનના ઓવલ ગ્રાઉન્ડ પર નોર્ધન સુપરચાર્જર્સ અને લંડન સ્પિરિટ વચ્ચે રમાયેલી એલિમિનેટર મેચમાં આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. સુપરચાર્જર્સની આ ઓપનરે માત્ર 42 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી અને કેટલાક મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા.

ધ હન્ડ્રેડમાં સૌથી ઝડપી સદી

પેરીનની આ વિસ્ફોટક ઈનિંગ 30 ઓગસ્ટ, શનિવારે ઓવલ ખાતે રમાયેલી એલિમિનેટર મેચમાં જોવા મળી હતી. ફાઈનલમાં પહોંચવા માટે રમાઈ રહેલી આ મેચમાં સુપરચાર્જર્સની 18 વર્ષીય ઓપનર ડેવિના પેરિને લંડન સ્પિરિટના બોલરોને જોરદાર ફટકાર્યા. પેરીનની ઈનિંગ એટલી જબરદસ્ત અને એકતરફી હતી કે સુપરચાર્જર્સે 105 રનના સ્કોર પર પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી અને આઉટ થયેલી બેટ્સમેન એલિસ ડેવિસન રિચાર્ડ્સે આ 105 રનમાંથી ફક્ત 18 રન જ બનાવ્યા હતા.

 

25 બોલમાં ફિફ્ટી, 42 બોલમાં સદી

પેરિને માત્ર 25 બોલમાં પોતાની અડધી સદી ફટકારી અને તે પછી પણ તેણીએ આક્રમણ બેટિંગ ચાલુ રાખી અને માત્ર 42 બોલમાં પોતાની સદી પૂરી કરી. પેરિને ચોગ્ગા વડે પોતાની સદી પૂરી કરી અને આ સાથે તે આ સિઝનમાં સદી ફટકારનારી પ્રથમ ખેલાડી બની. વુમન્સ હન્ડ્રેડના ઈતિહાસમાં ફક્ત બીજી વખત કોઈ બેટ્સમેને સદી ફટકારી હતી.

 

સૌથી નાની ઉંમરે સદી ફટકારવાનો રેકોર્ડ

પેરિને આ સદીની ઈનિંગ સાથે કેટલાક ખાસ રેકોર્ડ પણ બનાવ્યા. તે મહિલા ક્રિકેટના ઈતિહાસમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરની બેટ્સમેન બની હતી. સાથે જ ઘ હન્ડ્રેડના ઈતિહાસમાં આ સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ છે. એટલું જ નહીં, મેન્સ અને વુમન્સ હન્ડ્રેડમાં આ બીજી સૌથી ઝડપી સદી છે.

15 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા

પેરિને 43 બોલમાં 101 રનની ઈનિંગ રમી, જેમાં 15 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થતો હતો. તે આનાથી પણ મોટી ઈનિંગ રમી શકી હોત પણ તે રન આઉટ થઈ ગઈ. પરંતુ તેની ઈનિંગના આધારે, સુપરચાર્જર્સે 5 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા, જે વિમેન્સ હન્ડ્રેડના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર પણ બન્યો.

આ પણ વાંચો: એશિયા કપ 2025 પહેલા રોહિત-શુભમન સહિત આ ખેલાડીઓ ફિટનેસ ટેસ્ટ માટે બેંગલુરુ પહોંચ્યા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:07 pm, Sat, 30 August 25