દિનેશ કાર્તિક (Dinesh Karthik) ની ગણતરી ભારતના અનુભવી ખેલાડીઓમાં થાય છે. જો કે તે લાંબા સમયથી ટીમ ઈન્ડિયા (Team India) ની બહાર છે. તે ટીમ ઈન્ડિયામાં પણ નિયમિત રીતે રમી શક્યો ન હતો. જોકે, આ વિકેટકીપર-બેટ્સમેને IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારો દેખાવ કર્યો છે અને સતત પોતાની ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી છે. ફરી એકવાર, કાર્તિકે તેના અનુભવનો સારો ઉપયોગ કર્યો અને યુવા બેટ્સમેન સાથે જોડી બનાવીને ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નિકાળ્યો હતો.
કાર્તિકે આ કામ વિજય હજારે ટ્રોફીની ફાઇનલ (Vijay Hazare Trophy final) માં કર્યું છે. તેના રાજ્ય તમિલનાડુની ટીમ (Tamil Nadu Cricket Team) રવિવારે જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) સામે ફાઈનલ રમી રહી છે. પ્રથમ બેટિંગ કરતા તમિલનાડુએ 49.4 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 314 રન બનાવ્યા હતા.
ટીમને આ સ્થાન સુધી લઈ જવામાં કાર્તિકે મોટી ભૂમિકા ભજવી હતી. તેણે 103 બોલમાં આઠ ચોગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી 116 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ ત્યારે આવી જ્યારે ટીમ ગંભીર મુશ્કેલીમાં હતી. તમિલનાડુએ 40ના કુલ સ્કોર પર તેની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. બાબા અપરાજિત પ્રથમ ઓવરના પાંચમા બોલ પર આઉટ થયો હતો. તે માત્ર બે રન બનાવી શક્યો હતો. નારાયણ જગદીસને નવ રન બનાવ્યા હતા. આ પછી તમિલનાડુએ બે બોલરો-સાઈ કિશોર અને મુરુગન અશ્વિનને ટોપ પર મોકલ્યા. કિશોર 18 રન અને અશ્વિન સાત રન બનાવી શક્યો હતો.
તમિલનાડુની ટીમ અહીં મુશ્કેલીમાં હતી અને આવી સ્થિતિમાં કાર્તિકે પોતાના અનુભવનો સારી રીતે ઉપયોગ કર્યો હતો. તેણે યુવા બેટ્સમેન બાબા ઈન્દ્રજીત સાથે શાનદાર ભાગીદારી કરી હતી. આ જોડીએ પાંચમી વિકેટ માટે 202 રનની ભાગીદારી કરી હતી. ઈન્દ્રજીતે 71 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 80 રન બનાવ્યા હતા. તે 242ના કુલ સ્કોર પર આઉટ થયો હતો.
તેના ગયા પછી ટીમના સ્કોરમાં માત્ર ચાર રનનો વધારો થયો હતો કે કાર્તિકની ઇનિંગનો પણ અંત આવ્યો. સિદ્ધાર્થ શર્માએ કાર્તિકને આઉટ કર્યો હતો. કાર્તિકે ટીમ ઈન્ડિયા માટે 2019 વર્લ્ડ કપમાં તેની છેલ્લી મેચ માન્ચેસ્ટરમાં ન્યુઝીલેન્ડ સામે રમી હતી. કાર્તિક IPL માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમી રહ્યો હતો પરંતુ આ ફ્રેન્ચાઈઝીએ તેને જાળવી રાખ્યો ન હતો. આવતા વર્ષે IPLની મોટી હરાજીમાં કાર્તિક પર ઘણી ફ્રેન્ચાઈઝી દાવ લગાવી શકે છે.
કાર્તિક બાદ એવું લાગ્યું કે હિમાચલની ટીમ તમિલનાડુને મોટો સ્કોર કરવા દેશે નહીં. પરંતુ પછી શાહરૂખ ખાન અને કેપ્ટન વિજય શંકરે ટીમને 300 નો સ્કોર પાર કરવામાં મદદ કરી. શાહરૂખે 21 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 42 રન બનાવ્યા હતા. કેપ્ટને 16 બોલમાં એક ફોર અને એક સિક્સરની મદદથી 22 રન બનાવ્યા હતા. વોશિંગ્ટન સુંદર માત્ર એક રન બનાવી શક્યો હતો. હિમાચલ પ્રદેશ તરફથી પંકજ જયસ્વાલે ચાર વિકેટ લીધી હતી. કેપ્ટન ઋષિ ધવને ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી.