ભારતીય ક્રિકેટ ટીમની જ્યારથી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની (WTC Final 2023) ફાઇનલમાં હાર થઇ છે ત્યારથી તેના વિરૂદ્ધ નિવેદનો ચાલુ થઇ ગયા છે. કોઇ તેના દિગ્ગજ ખેલાડીઓ પર પ્રશ્ન કરી રહ્યુ છે તો કોઇકે ટીમ મેનેજમેન્ટ સામે વાંધો ઉઠાવ્યો છે. આ હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં મોટા ફેરફારની વાતો ચાલી રહી છે. એક્સપર્ટસ ભવિષ્યની ટીમ બનાવવાની વાત કરી રહ્યા છે. પણ આ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન દિલીપ વેંગસરકરે બીસીસીઆઇ પર મોટું નિશાન સાધ્યુ છે.
દિલીપ વેંગસરકરે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ કે બીસીસીઆઇએ પૈસા તો કમાઇ લીધા છે પણ બેન્ચ સ્ટ્રેંથ નથી બનાવી શક્યા. તે ભવિષ્યનો કપ્તાન નથી શોધી શક્યા. હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે ખાસ વાતચીતમાં દિલીપ વેંગસરકરે સિલેકટર્સ અને બીસીસીઆઇ પર નિશાન સાધ્યુ. તેણે કહ્યુ કે છેલ્લા 6-7 વર્ષોમાં સિલેકટર્સે ભવિષ્યની ટીમ બનાવવા માટે કોઇ પ્લાનિંગ કર્યુ નથી. સાથે જ બીસીસીઆઇ ના આ ખેલાડીએ ટીકા કરી હતી.
વેંગસરકરે બીસીસીઆઇ અને પૂર્વ સિલેક્ટર્સની ટીકા કરતા કહ્યું કે છેલ્લા 6-7 વર્ષોમાં કોઇ વિઝન જ ન હતું, ના સિલેકટર્સને રમતની ઊંડાણ પૂર્વક સમજ હતી. સિલેક્ટર્સે ત્યારે શિખર ધવનને કપ્તાન બનાવ્યો જ્યારે મોટા ખેલાડીઓ આરામ કરી રહ્યા હતા. ત્યારે એક ભવિષ્યના કપ્તાન પર કામ કરી શક્યા હોત. વેંગસરકરે ભારતીય ક્રિકેટ બોર્ડ સામે કહ્યું કે ટીમ મેનેજમેન્ટે પણ કોઇ ખેલાડીને તૈયાર ન કર્યા. તમે વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડની બન્યાની વાત કરી રહ્યા છો, પરંતુ બેન્ચ સ્ટ્રેન્થ ક્યા છે? ફક્ત આઇપીએલનું આયોજન કરીને કરોડો રુપિયા મીડિયા રાઇટ્સમાં હાંસિલ કરવું ઉપલબ્ધિ ના માની શકાય.
દિલીપ વેંગસરકરનો સવાલ તો સાચો છે. રોહિત શર્મા બાદ ભારતીય ક્રિકેટ ટીમનો કપ્તાન કોણ હશે તેનો જવાબ હજી સુધી મલ્યો નથી. નોંધપાત્ર છે કે ટી20 અને વનડેમાં હાર્દિક પંડ્યા તેની જગ્યા લઇ શકે છે પણ આ જવાબદારી કોને સોંપવામાં આવશે? વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ બાદ આ પ્રશ્નનો જવાબ મળશે પણ ભારતીય ક્રિકેટ ટીમ પાસે વિકલ્પના નામે કોઇ ખેલાડી નથી.