IPL 2023 ની શરુઆત દિલ્હી કેપિટલ્સ માટે સારી રહી નથી. પોતાની બંને શરુઆતી મેચો તેણે ગૂમાવી દીધી છે. દિલ્હી કેપિટલ્સને જોકે સિઝનની શરુઆત પહેલા જ કેપ્ટન રિષભ પંતના બહાર રહેવાને લઈ ઝટકો લાગ્યો હતો. ત્યાર બાદ ડેવિડ વોર્નર ટીમનુ સુકાન સંભાળી રહ્યો છે, પરંતુ હજુ સુધી એક પણ મેચ સિઝનમાં દિલ્હીની ટીમ જીતી શકી નથી. આમ હજુ જીતનુ ખાતુ ખોલાવવા મથી રહેલ દિલ્હીની ટીમને માટે વધુ એક મુશ્કેલી સર્જાઈ છે. હવે ટીમનો સ્ટાર બોલર રજાઓ પર જઈ રહ્યો છે. લગ્ન કરવા માટે તે સિઝનની અધવચ્ચે સ્વદેશ પરત જઈ રહ્યો છે.
દિલ્હી કેપિટલ્સને સિઝનમાં જીત સાથે હવે મજબૂત શરુઆત કરવાની જરુર છે. આ માટે એક એક ખેલાડીએ પૂરો દમ લગાડવો જરુરી છે. આ માટે દિલ્હીએ પહેલાથી જ ઉંચી કિંમતે ખેલાડીઓને પોતાની સાથે જોડ્યા છે. હવે રાજસ્થાન રોયલ્સ સામે સિઝનમાં પોતાની ત્રીજી મેચ દિલ્હીની ટીમ રમનાર છે. આ પહેલા જ તેમનો સ્ટાર ખેલાડી મિશેલ માર્શ ઓસ્ટ્રેલિયા પરત જઈ રહ્યો છે.
શનિવારે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ગુવાહાટીમાં ટક્કર થનારી છે. આ દરમિયાન દિલ્હીની ટીમ ઓલરાઉન્ડર મિશેલ માર્શ વિના જ મેદાને ઉતરશે. દિલ્હીના કોચ રિકી પોન્ટિંગને આ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ખૂબ પસંદ છે. પરંતુ હવે તે એકાદ સપ્તાહ સુધી ટીમથી દૂર રહેશે. એટલે કે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો છે.
ટીમના બેટિંગ કોચ જેમ્સ હોપ્સે આ અંગેની જાણકારી મીડિયાને આપી હતી. તેમણે બતાવ્યુ હતુ કે, મિશેલ આગળની કેટલીક મેચો માટે ઉપલબ્ધ નહીં હોય. કારણ કે તે પોતાના લગ્નને લઈ સ્વદેશ પરત ફરી રહ્યો છે. દિલ્હીની ટીમ સાથે મિશેલ માર્શ ગત મેગા ઓક્શન દરમિયાન સાડા છ કરોડ રુપિયાના ખર્ચે જોડાયો હતો.
31 વર્ષીય ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શ તેની ગર્લફ્રેન્ડ ગ્રેટા મેક સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. માર્શ અને ગ્રેટાની સગાઈ વર્ષ 2021માં થઈ હતી. મિશેલ લાંબા સમયથી ગ્રેટા સાથે જોડાયેલો છે. માર્શ 7 વર્ષનો પુત્ર ધરાવે છે, જેનો જન્મ 2016 માં થયો હતો.
સાડા છ કરોડનો ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરની રમત સિઝનમાં પ્રભાવિત કરનારી નથી રહી. સિઝનમાં દિલ્હીની પ્રથમ બંને મેચમાં તેનો દેખાવ ખરાબ રહ્યો છે. બેટિંગની વાત કરવામાં આવે તો તે હજુ સુધી માત્ર 4 જ રન નોંધાવી શક્યો છે. જેમાં પ્રથમ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે શૂન્ય રને વિકેટ ગુમાવીને પરત ફર્યો છે. જ્યારે ગુજરાત ટાઈટન્સ સામે માત્ર 4 જ રન નોંધાવી શક્યો હતો. જોકે માર્શે આ મેચમાં એક વિકેટ ઝડપી હતી.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 6:56 pm, Fri, 7 April 23