
ક્રિકેટ ઇતિહાસમાં એકથી ચડિયાતા એક દિગ્ગજ ખેલાડીઓ છે, જેમણે મોટા-મોટા રેકોર્ડ સ્થાપિત કર્યા છે. જો કે, આમાંથી કેટલાક રેકોર્ડ તોડવા અશક્ય છે. આ બધા વચ્ચે એક રેકોર્ડ એવો પણ છે કે, જે ઇન્ટરનેશનલ તો નહીં પણ પ્રોફેશનલ ક્રિકેટમાં ચોક્કસ બન્યો છે. આ રેકોર્ડ 6 બોલમાં 6 વિકેટ લેવાનો છે અને આ સિદ્ધિ ઇતિહાસમાં ફક્ત બે ખેલાડીઓના નામે છે.
ઓસ્ટ્રેલિયન ક્લબ ક્રિકેટર એલેડ કેરીએ 21 જાન્યુઆરી 2017ના રોજ વિક્ટોરિયામાં ગોલ્ડન પોઈન્ટ ક્રિકેટ ક્લબ તરફથી રમતા એક જ ઓવરના 6 બોલમાં 6 વિકેટ લેવાનું પરાક્રમ કર્યું હતું. કોઈપણ સ્તરની મેચમાં કોઈ ખેલાડીએ આવું પરાક્રમ કર્યું હોય તેવું આ પ્રથમ વખત હતું. વિરોધી ટીમ ઈસ્ટ બેલરાટ તે સમયે 40 રનમાં 2 વિકેટ ગુમાવીને રમી રહી હતી.
એવામાં જ્યારે કેરીએ તેની યાદગાર 9મી ઓવર શરૂ કરી હતી, ત્યારે તેણે પ્રથમ ત્રણ બોલમાં સ્લિપ કેચ, વિકેટકીપરના હાથે કેચ અને LBW દ્વારા તેની પ્રથમ હેટ્રિક પૂરી કરી. ત્યારબાદ ઓવરના અંતિમ ત્રણ બોલમાં તેણે બીજા ત્રણ બેટ્સમેનોને ક્લીન બોલ્ડ કરીને મેચ પૂરી કરી દીધી.
કેરીની આ ઐતિહાસિક સિદ્ધિને બીજા એક ઓસ્ટ્રેલિયન ક્લબ ક્રિકેટર ગેરેથ મોર્ગને 11 નવેમ્બર 2023ના રોજ દોહરાવી હતી. મડજીરાબા નેરંગ એન્ડ ડિસ્ટ્રિક્ટ્સ ક્રિકેટ ક્લબના કેપ્ટન તરીકે રમતા મોર્ગને મેચના અંતિમ (ફાઇનલ ઓવર) 6 બોલમાં 6 વિકેટ ઝડપી હતી. જીત માટે 179 રનનો પીછો કરી રહેલી વિરોધી ટીમ 174 રનમાં 4 વિકેટ ગુમાવીને જીતની નજીક હતી. મોર્ગને ઓવરના પ્રથમ ચાર બોલ પર બેટ્સમેનોને કેચ આઉટ કરાવ્યા અને અંતિમ બે બોલ પર ક્લીન બોલ્ડ કરીને પોતાની ટીમને 4 રનથી જીત અપાવી.
એલેડ કેરીએ પોતાના સ્પેલમાં 20 રન આપીને 6 વિકેટ લીધી હતી. તેના આ પ્રદર્શન બાદ મેચ ઓફિશિયલે સ્કોરબુકમાં ‘પરફેક્ટ’ લખ્યું હતું. બીજી તરફ, જ્યારે ગેરેથ મોર્ગનના આ પરાક્રમના સમાચાર ફેલાયા, ત્યારે સોશિયલ મીડિયા પર ચાહકોએ તેના માટે ‘સ્ટેચ્યુ’ (પ્રતિમા) બનાવવાની માંગ કરી દીધી હતી. આ ખેલાડીએ કુલ 16 રન આપીને 7 વિકેટ લીધી અને વિરોધી કેપ્ટનને આઉટ કરીને પોતાની પ્રથમ હેટ્રિક પણ પૂરી કરી હતી.
પ્રોફેશનલ ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર ત્રણ ખેલાડીઓ એક જ ઓવરમાં 5 વિકેટ લેવામાં સફળ રહ્યા છે. આમાં ન્યુઝીલેન્ડના નીલ વેગનર (2011), બાંગ્લાદેશના અલ-અમીન હુસૈન (2013) અને ભારતના અભિમન્યુ મિથુન (2019) નો સમાવેશ થાય છે. જો કે, કેરી અને મોર્ગન દ્વારા ક્લબ ક્રિકેટમાં કરવામાં આવેલું આ પરાક્રમ દુનિયાનું એકમાત્ર એવું ઉદાહરણ માનવામાં આવે છે, જ્યાં કોઈ બોલરે 6 બોલની ઓવરના દરેક ડિલિવરી પર વિકેટ લીધી હોય.