Breaking News: પ્રતિકાની સદી, ચારણીની 4 વિકેટ, ઝિમ્બાબ્વે સામે ભારતનો 9 વિકેટે આસાન વિજય

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ODIમાં શાનદાર 9 વિકેટથી જીત મેળવીને શ્રેણીમાં વિજયી શરૂઆત કરી છે. શ્રી ચારણીએ 10 ઓવરમાં માત્ર 23 રન આપી 4 વિકેટ ઝડપી ઝિમ્બાબ્વેને 197 રનમાં સમેટ્યું હતું. જવાબમાં પ્રતિકા રાવલે 96 બોલમાં સદી ફટકારી, જ્યારે શેફાલી વર્માની તોફાની 64 રનની ઇનિંગ્સથી ભારતે માત્ર 28 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું.

Breaking News: પ્રતિકાની સદી, ચારણીની 4 વિકેટ, ઝિમ્બાબ્વે સામે ભારતનો 9 વિકેટે આસાન વિજય
Team India
Image Credit source: X/BCCI
| Updated on: Oct 23, 2026 | 8:37 PM

T20 શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ODI શ્રેણીની પહેલી મેચમાં ઝિમ્બાબ્વેને સરળતાથી હરાવ્યું હતું. વડોદરામાં શ્રેણીની પહેલી મેચમાં ભારતીય ટીમે માત્ર 28 ઓવરમાં 198 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. સ્પિનર ​​શ્રી ચારણી અને ઓપનર પ્રતિકા રાવલ ટીમ ઈન્ડિયાની જીતના સ્ટાર હતા. ચારાણીએ કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને ચાર વિકેટ લીધી, જ્યારે પ્રતિકાએ શાનદાર સદી ફટકારી ટીમની નવ વિકેટની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ઝિમ્બાબ્વે 197 રન પર ઢેર

શુક્રવાર, 23 ઓક્ટોબરના રોજ રમાયેલી પહેલી ODI મેચમાં ભારતીય બોલરોએ T20 સ્ટાઈલમાં ક્રિકેટ રમી હતી. ફરી એકવાર શ્રી ચારણી સહિત ભારતીય સ્પિનરોએ ઝિમ્બાબ્વેને ઓછા સ્કોર સુધી મર્યાદિત રાખ્યું હતું. ઝિમ્બાબ્વે માટે બિલાવેડ બિઝાએ લડાયક ઇનિંગ રમી, તેણીએ સૌથી વધુ 62 રન બનાવ્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન 30 રન સુધી પણ પહોંચી શકી નહીં. મિશેલ માવુંગાએ અંતિમ ઓવરોમાં ઝડપથી 29 રન બનાવ્યા, જેના કારણે ટીમ 49.5 ઓવરમાં 197 રન સુધી પહોંચી શકી હતી.

 

શ્રી ચારણીની 4, ક્રાંતિની 3 વિકેટ

ભારત માટે શ્રી ચારણીએ 10 ઓવરમાં ફક્ત 23 રન આપીને ચાર વિકેટ લીધી હતી. આ તેના ODI કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. યુવા ઝડપી બોલર ક્રાંતિ ગૌડે ત્રણ વિકેટ અને દીપ્તિ શર્માએ બે વિકેટ લીધી હતી. શેફાલી વર્માએ પણ એક વિકેટ લીધી હતી અને બાદમાં બેટિંગથી પણ ધમાલ મચાવી હતી.

પ્રતિકાની સદી, શેફાલીનું તોફાન

ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે 93 રનની ભાગીદારી સાથે મજબૂત શરૂઆત કરી હતી. કેપ્ટન સ્મૃતિ મંધાના 32 રન બનાવીને આઉટ થઈ ગઈ, પરંતુ ત્યારબાદ ઝિમ્બાબ્વેને એક પણ વિકેટ મળી નહીં. પ્રતિકાએ પોતાની મક્કમ બેટિંગ ચાલુ રાખી, તો શેફાલીએ ઝડપી ગતિએ ચોગ્ગા અને છગ્ગા ફટકારવાનું શરૂ કર્યું. શેફાલીએ માત્ર 29 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. પ્રતિકાએ 27મી ઓવરના છેલ્લા બોલમાં એક ચોગ્ગા સાથે 96 બોલમાં પોતાની સદી પૂરી કરી.

 

ટીમ ઈન્ડિયાની આસાન જીત

પ્રતિકાની આ ત્રીજી ODI સદી છે. યોગાનુયોગ, તેની પાછલી સદી પણ 23 ઓક્ટોબરે આવી હતી, જ્યારે તેણે 2025ના વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે 122 રન બનાવ્યા હતા. આ વખતે પ્રતિકાએ 96 બોલમાં 100 રન બનાવ્યા, જેમાં 15 ચોગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ, શેફાલીએ 28મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો. શેફાલીએ માત્ર 33 બોલમાં 64 રન (5 ચોગ્ગા અને 4 છગ્ગા) બનાવ્યા.

Video: ચાલુ મેચમાં ઘૂસી ગયો વાંદરો, ખેલાડી પર કર્યો હુમલો, રોકવી પડી મેચ

Follow Us
Loading...
Unable to load recommendations.