
T20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પાંચ મેચોની T20 શ્રેણીની અંતિમ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરીને 46 રનથી જીત મેળવી અને શ્રેણી 4-1થી પોતાના નામે કરી લીધી. T20 વર્લ્ડ કપ પહેલા આ ભારતની છેલ્લી દ્વિપક્ષીય T20 શ્રેણી હતી, જેમાં ટીમે પોતાની તૈયારી મજબૂત હોવાનું સાબિત કર્યું.
પાંચ મેચોની આ શ્રેણીમાં ટીમ ઇન્ડિયાએ શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું હતું. ભારતે સતત પ્રથમ ત્રણ મેચ જીતીને શ્રેણી પહેલેથી જ કબજે કરી લીધી હતી. જોકે, ચોથી મેચમાં ન્યૂઝીલેન્ડે વાપસી કરી જીત મેળવી હતી, પરંતુ અંતિમ મેચમાં ભારતે કોઈ પણ પ્રકારની કમી ન રાખી અને મોટી જીત સાથે શ્રેણીનો સમાપન કર્યો.
અંતિમ મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 271 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો. સંજુ સેમસન અને અભિષેક શર્માએ ઇનિંગની શરૂઆત કરી હતી, પરંતુ બંને 42-42 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા.
તે બાદ ઈશાન કિશને ધમાકેદાર બેટિંગ કરી. ઈશાને માત્ર 43 બોલમાં 103 રન બનાવી પોતાની શાનદાર સદી પૂરી કરી, જેમાં 6 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ જવાબદારીભરી ઇનિંગ રમતાં 30 બોલમાં 63 રન બનાવ્યા. હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવરોમાં 17 બોલમાં મહત્વપૂર્ણ 42 રન ઉમેર્યા.
ન્યૂઝીલેન્ડ તરફથી લોકી ફર્ગ્યુસન અને કાયલ જેમિસને બે-બે વિકેટ લીધી હતી, પરંતુ ભારતીય બેટ્સમેન સામે તેઓ ખાસ અસરકારક સાબિત થઈ શક્યા નહીં.
272 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડ ટીમે ઝડપી શરૂઆત કરી. ફિન એલને 38 બોલમાં 80 રન બનાવીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી, જ્યારે રચિન રવિન્દ્રએ 17 બોલમાં 30 રન બનાવ્યા. બંનેએ બીજી વિકેટ માટે 100 રનની ભાગીદારી નોંધાવી હતી.
પરંતુ ત્યારબાદ ભારતીય બોલરોએ મેચ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો. અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરતા પાંચ વિકેટ ઝડપી, જ્યારે અક્ષર પટેલે ત્રણ અને વરુણ ચક્રવર્તીએ એક વિકેટ લીધી. ભારતીય બોલિંગ આક્રમણ સામે ન્યૂઝીલેન્ડની ટીમ 19.4 ઓવરમાં 225 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
આ રીતે ટીમ ઇન્ડિયાએ અંતિમ મેચમાં દમદાર જીત સાથે શ્રેણી 4-1થી જીતી અને T20 વર્લ્ડ કપ પહેલા પોતાની તૈયારીઓનો મજબૂત સંદેશ આપ્યો.
આ 7 બોલ પર હતી આખા સ્ટેડિયમની નજર… ઈશાન કિશનનો ઐતિહાસિક પરાક્રમ, સદીનો વિસ્ફોટ
Published On - 10:46 pm, Sat, 31 January 26