
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હોંગકોંગ સિક્સીસ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. અનુભવી બોલર ભુવનેશ્વર કુમાર ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે નેશનલ ટીમમાં સામેલ થયા બાદ છ ઓવરની ટુર્નામેન્ટમાંથી ખસી ગયો છે. ભુવનેશ્વર મૂળ સાત સભ્યોની ભારતીય ટીમની કપ્તાની કરવાનો હતો. તેના ગયા બાદ સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ 22 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે, જેનો મુકાબલો 30 ઓક્ટોબરથી શરૂ થનારી હોંગકોંગ સિક્સેસ સાથે થશે. આના કારણે ભુવીને ટુર્નામેન્ટમાંથી ખસી જવાની ફરજ પડી છે. ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર કુલવંત ખેજરોલિયાને ભુવનેશ્વર કુમારના સ્થાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યો છે. હોંગકોંગ સિક્સેસ 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી રમાશે.
કેપ્ટનશીપ સંભાળ્યા પછી, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના સ્ટાર કૃણાલ પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પુષ્ટિ કરી હતી. કૃણાલે ચાહકોને હોંગકોંગ સિક્સીસમાં ટીમ ઈન્ડિયાને ચીયર કરવા વિનંતી કરી હતી. કૃણાલને છ IPL મેચોમાં કેપ્ટનશીપનો અનુભવ છે, જેમાં ત્રણમાં જીત અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે.
2025 ની હોંગકોંગ સિક્સીસ સીઝન ભારત માટે નિરાશાજનક રહી હતી. રોબિન ઉથપ્પા અને દિનેશ કાર્તિક જેવા દમદાર ભૂતપૂર્વ ખેલાડીઓ ધરાવતી ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં ખૂબ જ નબળી ટીમ કુવૈત સામે હારી ગઈ હતી. ત્યારબાદ ટીમ બાઉલ ફાઇનલમાં નેપાળ, યુએઈ અને શ્રીલંકા સામે હારી ગઈ, જ્યારે કટ્ટર હરીફ પાકિસ્તાને ટાઇટલ જીત્યું હતું. આ વખતે, BCCIએ ફોર્મમાં રહેલા સ્થાનિક અને IPL સ્ટાર્સની પસંદગી કરી છે જેઓ હોંગકોંગ સિક્સીસમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.
કૃણાલ પંડ્યા, નીતિશ રાણા, રાહુલ ત્રિપાઠી, શશાંક સિંહ, રાહુલ તેવટિયા, ટી. નટરાજન અને કુલવંત ખેજરોલિયા.
Published On - 4:03 pm, Sat, 17 October 26