બોલ ટેમ્પરિંગ. આ શબ્દો સાંભળીને ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથની જોહાનિસબર્ગ ટેસ્ટની ઘટના યાદ આવી જાય છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના ત્રણ ખેલાડીઓ પર કેવી મોટી કાર્યવાહી કરી તે જાણી શકાશે. હવે આવી જ ઘટના બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (Bangladesh Premier League) માં બની છે. કહેવાય છે કે આ લીગમાં બોલ ટેમ્પરિંગ એટલે કે બોલની કંડીશન સાથે ચેડાં થયાની આ પહેલી ઘટના છે. લીગમાં રમી રહેલી ટીમ સિલહેટ સનરાઈઝર્સ (Sylhet Sunrisers) અને તેના ઈંગ્લિશ ઓલરાઉન્ડર રવિ બોપારા (Ravi Bopara) બોલ ટેમ્પરિંગમાં દોષી સાબિત થયા હતા. ત્યારબાદ અમ્પાયરે તેમની સામે મોટી કાર્યવાહી કરી હતી. સિલહેડ સનરાઇઝર્સની ટીમે ખુલના ટાઇગર્સ સામે રમાયેલી મેચમાં બોલના દેખાવ સાથે છેડછાડ કરી હતી.
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર રવિ બોપારાએ 9મી ઓવરમાં બોલ ટેમ્પરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. લીગના પ્રસારણકર્તાઓએ તે ઘટનાના રિપ્લે બતાવ્યા જેમાં બોપારા તેની આંગળીઓ વડે બોલને ખોતરી રહ્યો હતો. ઓવર દરમિયાન, જ્યારે ઓનફિલ્ડ અમ્પાયર મહફજુર રહેમાન અને પ્રગીથ રામબુકવેલાને બોપારાની આ વિશે જાણ થઈ, ત્યારે તેઓએ તેની પાસેથી બોલ લઈ લીધો હતો.
ક્રિકેટના કાયદા હેઠળ, બોપારાની હરકતને કલમ 41.3.5 હેઠળ દોષિત ઠરવામાં આવી હતી. જે મુજબ અમ્પાયર બોલને બદલી શકે છે જો તે માને છે કે ખેલાડીએ તેની સાથે છેડછાડ કરી છે. આ મેચમાં પણ એવું જ જોવા મળ્યું હતું. બોપારા પાસેથી બોલ લીધા પછી, અમ્પાયરોએ તરત જ તેને અન્ય બોલથી બદલ્યો. આ સિવાય સિલ્હેટ સનરાઇઝર્સ ટીમને 5 રનનો દંડ ફટકારવામાં આવ્યો હતો. નિયમમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ફિલ્ડ અમ્પાયર આ ઘટનાની જાણ મેચ રેફરીને કરી શકે છે, ત્યારબાદ ખેલાડી સામે કડક કાર્યવાહી થઈ શકે છે.
મોટી વાત એ છે કે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર રવિ બોપારાએ આ મેચમાં આ ભૂલ ત્યારે કરી જ્યારે તે ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો હતો. તેણે આ મેચ માટે મોસાદ્દેક હુસૈનની જગ્યાએ કેપ્ટનશિપ કરી હતી. બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં 65 મેચ રમ્યા બાદ બોપારા પ્રથમ વખત કેપ્ટનશીપ કરી રહ્યો હતો. અને તેની કેપ્ટનશીપની પહેલી જ મેચમાં તે બોલ ટેમ્પરિંગનો દોષી સાબિત થયો હતો. જો કે આ ઘટના બાદ તે ફરીથી મેચમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો.
Published On - 9:01 am, Tue, 8 February 22