Breaking News : ટેસ્ટ ક્રિકેટમાં સસ્પેન્સ વધ્યું… છેલ્લી ઘડીએ વિકેટ પડી તો નવા ખેલાડીએ તરત જ મેદાનમાં ઉતરવું પડશે

હવે ટેસ્ટ મેચમાં દિવસની છેલ્લી ઓવરમાં વિકેટ પડશે તો પણ રમત બંધ નહીં થાય. જૂના નિયમમાં વિકેટ પડતા જ દિવસ પૂરો જાહેર થતો હતો. જો કે, હવે નવા નિયમ મુજબ ઓવરના પૂરા 6 બોલ ફેંકવા જ પડશે.

Breaking News : ટેસ્ટ ક્રિકેટમાં સસ્પેન્સ વધ્યું... છેલ્લી ઘડીએ વિકેટ પડી તો નવા ખેલાડીએ તરત જ મેદાનમાં ઉતરવું પડશે
| Updated on: Feb 03, 2026 | 8:43 PM

ક્રિકેટની દુનિયામાં નિયમો બનાવતી સૌથી મોટી સંસ્થા મેરિલબોન ક્રિકેટ ક્લબે (MCC) વર્ષ 2026 માટે નવા નિયમોની જાહેરાત કરી દીધી છે. આ ફેરફારોની સૌથી મોટી અસર ટેસ્ટ ક્રિકેટ પર પડશે. એમસીસીએ રમતને વધુ રોમાંચક બનાવવા માટે ઘણા મહત્વના નિયમોમાં ફેરફાર કર્યા છે. આમાં દિવસની છેલ્લી ઓવર અને ક્રિકેટ બોલના વજન અને કદ (સાઈઝ) ને લઈને મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

આ નવો નિયમ કયો છે?

આ નિયમો અમલમાં આવવાથી હવે મેચનો રોમાંચ છેલ્લા બોલ સુધી જળવાઈ રહેશે. MCC ના નવા કાયદા 12.5.2 મુજબ, ટેસ્ટ ક્રિકેટમાં દિવસની છેલ્લી ઓવરમાં વિકેટ પડતાની સાથે જ તે દિવસની રમત બંધ નહીં થાય. જૂના નિયમ મુજબ, જો દિવસની છેલ્લી ઓવરમાં કોઈ વિકેટ પડતી, તો અમ્પાયર ત્યાં જ રમત પૂરી કરી દેતા અને ‘સ્ટમ્પ્સ’ જાહેર કરી દેતા હતા. ત્યારબાદ બેટિંગ કરનાર ટીમ બીજા દિવસે પોતાની વ્યૂહરચના મુજબ નવા બેટ્સમેનને મેદાનમાં ઉતારતી હતી. જો કે, હવે એવું નહીં થાય.

કઈ ટીમને ફાયદો થશે?

નવા નિયમ મુજબ, જો છેલ્લી ઓવરમાં વિકેટ પડશે તો પણ મેચ તે દિવસના અંતિમ બોલ સુધી ચાલુ રહેશે. ટૂંકમાં, જ્યાં સુધી ઓવરના છ બોલ પૂરા નહીં થાય, ત્યાં સુધી રમત અટકશે નહીં. આ નવા નિયમથી બોલિંગ અને ફિલ્ડિંગ કરી રહેલી ટીમને બહુ મોટો ફાયદો થવાનો છે.

અવારનવાર જોવા મળે છે કે, દિવસની અંતિમ ક્ષણોમાં બેટ્સમેનો થાકેલા હોય છે અને તેમનું ધ્યાન થોડું ભટકી જાય છે. આવા સમયે જો એક વિકેટ પડે, તો ફિલ્ડિંગ કરી રહેલી ટીમ પૂરી રીતે હાવી થઈ જાય છે. જૂના નિયમમાં રમત અટકી જવાથી બેટિંગ કરનાર ટીમને રાહત મળી જતી હતી.

હવે નવા બેટ્સમેને તરત જ ક્રીઝ પર આવવું પડશે અને તે ઓવરના બાકી રહેલા બોલનો સામનો કરવો પડશે. આનાથી બોલિંગ કરનાર ટીમને વધુ એક વિકેટ ઝડપવામાં અથવા વિરોધી ટીમ પર જોરદાર માનસિક દબાણ બનાવવામાં ઘણી મદદ મળશે.

બોલના માપદંડોમાં પણ ફેરફાર

MCC એ મહિલા ક્રિકેટને વધુ સરસ બનાવવા માટે બોલના માપદંડોમાં પણ ફેરફાર કર્યો છે. અત્યાર સુધી મહિલા ક્રિકેટમાં વપરાતા બોલનું વજન 140 ગ્રામથી 151 ગ્રામની વચ્ચે અને તેનું કદ (સાઈઝ) 21 થી 22.5 સેન્ટીમીટરની વચ્ચે રહેતું હતું. તાજેતરના નિયમો મુજબ, હવે બોલના વજનની મર્યાદા 140 ગ્રામથી ઘટાડીને 149 ગ્રામ સુધીની કરી દેવામાં આવી છે.

આ સાથે જ બોલની સાઇઝ હવે 21.5 થી 22 સેન્ટીમીટરની વચ્ચે રહેશે. બોલના વજનમાં આ ઘટાડો અને સાઇઝમાં ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે, જેથી મહિલા ખેલાડીઓ તેને વધુ સારી રીતે ‘ગ્રિપ’ કરી શકે અને રમતમાં વધુ ગતિ (Speed) તથા ટર્ન જોવા મળે.

આ પણ વાંચો: T20 WC Breaking News : ક્રિકેટ જગતના ભૂતપૂર્વ દિગ્ગજે કરી આગાહી, T20 ક્રિકેટ વર્લ્ડ કપ માટે આ ચાર ટીમ વચ્ચે થશે સ્પર્ધા