ઈંગ્લેન્ડે 2026 ના T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી, 59 છગ્ગા ફટકારનાર બેટ્સમેનનું પત્તું કપાયું

ઈંગ્લેન્ડે 2026 ના T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. T20 વર્લ્ડ કપમાં હેરી બ્રુક ટીમની કમાન સંભાળશે, જયારે જોફ્રા આર્ચર અને આદિલ રશીદ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં મહત્ત્વનો રોલ ભજવશે.

ઈંગ્લેન્ડે 2026 ના T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી, 59 છગ્ગા ફટકારનાર બેટ્સમેનનું પત્તું કપાયું
Image Credit source: PTI
| Updated on: Dec 30, 2025 | 4:01 PM

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે (ECB) એ આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ 2026 માટે પોતાની 15 સભ્યોના ટીમની જાહેરાત કરી છે. આ વખતે ટીમની કમાન યુવા બેટ્સમેન હેરી બ્રુકને સોંપવામાં આવી છે.

T20 નો વિસ્ફોટક બેટ્સમેન ટીમની બહાર

આ વખતે ઈંગ્લેન્ડે વિસ્ફોટક બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોનને ટીમમાંથી બાકાત રાખ્યો છે. ચોગ્ગા કરતાં વધુ છગ્ગા મારવા માટે જાણીતો લિવિંગસ્ટોન ટીમની બહાર થતાં ફેન્સને આઘાત લાગ્યો છે. ભારત અને શ્રીલંકા દ્વારા આયોજિત આ વર્લ્ડ કપ પહેલા ઈંગ્લેન્ડે ટીમમાં ઘણા નવા અને જૂના ચહેરાઓ પર વિશ્વાસ દર્શાવ્યો છે.

બેટિંગમાં કયા કયા મોટા નામ છે?

ઈંગ્લેન્ડે 2026 ના T20 વર્લ્ડ કપ માટે હેરી બ્રુકને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. બ્રુક સિવાય ઈંગ્લેન્ડની બેટિંગ લાઇન-અપમાં બેન ડકેટ, ફિલ સોલ્ટ, વિલ જેક્સ અને ટોમ બેન્ટન જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ બધા ખેલાડીઓ ઝડપી સ્કોર કરવામાં સક્ષમ છે અને પાવરપ્લેમાં મેચની દિશા બદલી શકે છે.

‘લિવિંગસ્ટોન’ ને તક ના મળી

લિવિંગસ્ટોન માર્ચ 2025 થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તેણે છેલ્લે ફેબ્રુઆરી 2025 માં ભારત સામે T20 મેચ રમી હતી. લિવિંગસ્ટોનની T20 કારકિર્દી પર નજર કરીએ તો, તેણે 60 મેચમાં 47 ઇનિંગ્સમાં 955 રન બનાવ્યા છે.

આ સમયગાળા દરમિયાન, તેણે 54 ચોગ્ગા અને 59 છગ્ગા ફટકાર્યા છે. લિવિંગસ્ટોનની સ્ટ્રાઇક રેટ સારી હોવા છતાં પસંદગીકારોએ તેને આ વખતે તક આપી ન હતી.

ઇંગ્લેન્ડના બોલિંગ યુનિટનું નેતૃત્વ ઝડપી બોલર જોફ્રા આર્ચર કરશે. વધુમાં આર્ચરની સાથે અનુભવી આદિલ રશીદ સ્પિન વિભાગની જવાબદારી સંભાળશે.

ઈંગ્લેન્ડ ‘ગ્રુપ C’ માં

‘T20 વર્લ્ડ કપ 2026’ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે અને ફાઇનલ 8 માર્ચે યોજાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમ ભાગ લઈ રહી છે, જેને 5 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ઈંગ્લેન્ડ ગ્રુપ C માં છે, જેમાં બાંગ્લાદેશ, વેસ્ટ ઇન્ડીઝ, નેપાળ અને ઇટાલીનો સમાવેશ થાય છે.

T20 વર્લ્ડ કપ 2026 માટે ઈંગ્લેન્ડ ટીમ

હેરી બ્રુક (કેપ્ટન), બેન ડકેટ, વિલ જેક્સ, ફિલ સોલ્ટ, જોસ બટલર, જેકબ બેથેલ, ટોમ બેન્ટન, રાયન અહેમદ, જોફ્રા આર્ચર, જોશ ટંગ, લ્યુક વુડ, આદિલ રશીદ, સેમ કુરન, જેમી ઓવરટન, લિયામ ડોસન.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો