ભારતીય ટીમ (Team India) ની નજર વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket) સામેની વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવા પર છે. ત્રણ મેચોની વનડે શ્રેણીની છેલ્લી મેચ 27 જુલાઈએ રમાશે. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 2-0 થી આગળ છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના એક બેટ્સમેને મોટું નિવેદન આપ્યું છે. આ ખેલાડી આ પ્રવાસમાં પોતાની રમતથી નિરાશ જોવા મળે છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી આ વનડે શ્રેણીમાં શુભમન ગિલ (Shubhman Gill) સુકાની શિખર ધવન (Shikhar Dhawan) સાથે ઓપનર તરીકે ઈનિંગ્સની શરૂઆત કરી રહ્યો છે. શુભમન ગિલ આ શ્રેણીમાં રમાયેલી બંને મેચમાં ટીમને શાનદાર શરૂઆત અપાવવામાં સફળ રહ્યો છે. પરંતુ તે પોતાની સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યો નથી. તેણે સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં પરિવર્તિત ન કરી શકવા પર નિરાશા વ્યક્ત કરી હતી.
શુભમન ગિલ (Shubman Gill) અત્યાર સુધી મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો છે. જેના કારણે તે પોતાની જાત પર ગુસ્સે છે. સિરીઝની ત્રીજી મેચ પહેલા ગિલે કહ્યું, ‘મને સારી શરૂઆત મળી રહી છે. પરંતુ હું તેને મોટી ઇનિંગમાં બદલી શકતો નથી. તેથી હું મારી જાત પર ગુસ્સે છું. આ બે ઇનિંગ્સે મારો આત્મવિશ્વાસ ઘણો વધાર્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સારી ટીમ છે અને અમે તેમની સામે બે શાનદાર સ્કોર બનાવ્યા છે. આશા છે કે હું ત્રીજી મેચમાં મોટી ઇનિંગ્સ રમી શકીશ. મને જે પ્રકારની શરૂઆત મળી રહી છે હું તેને મોટા સ્કોરમાં કન્વર્ટ કરવા માંગુ છું.
આ સિરીઝમાં અત્યાર સુધી શુભમન ગિલનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. આ શ્રેણીની પ્રથમ મેચમાં શુભમન ગિલે 53 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 64 રન બનાવ્યા હતા. બીજી વનડેમાં તેણે 49 બોલમાં 43 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેના બેટથી 5 ચોગ્ગા જોવા મળ્યા હતા. તેના પ્રદર્શનને જોતા સિરીઝની છેલ્લી મેચમાં શુભમન ગીલનું રમવું નક્કી હોય તેવું લાગી રહ્યું છે. આ સિરીઝમાં રોહિત શર્માની જગ્યાએ શુભમન ગિલ રમી રહ્યો છે. તેણે આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે અને આગામી મેચોમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે છેલ્લી મેચમાં મોટી ઇનિંગ્સ રમવા માંગશે.