પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના હાથમાંથી એશિયા કપનુ આયોજન સરકી રહ્યુ છે. ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન પ્રવાસ ખેડવાથી પહેલાથી જ ના કહી ચૂકી છે. આ દરમિયાન હવે એશિયા કપ ન્યૂટ્રલ વેન્યૂ પર જ આયોજીત થઈ શકવાની સંભાવના વધારે છે. આવામાં હવે પાકિસ્તાનને ભારતીય ક્રિકેટ બોર્ડથી વધુ એક વાર ઈર્ષા થઈ આવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ આમ પણ માલા માલ બોર્ડ તરીકે દુનિયામાં જોવામાં આવે છે, ત્યાં હવે ICC દ્વારા વધારે માલામાલ બનાવાશે. ત્યાં પાકિસ્તાનના પેટમાં તેલ રેડાય એ સ્વાભાવિક છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ શેઠીએ ઈર્ષા ભાવનુ પ્રદર્શન કર્યુ છે. ભારતને ICC દ્વારા મોટી કમાણી થવા જઈ રહી છે. જેને લઈ પાકિસ્તાનને મરચા લાગતા તેનો વિરોધ કર્યો છે. ભારત સામે પાકિસ્તાનને 7 ગણી ઓછી રકમ મળનારી છે. આમ વધુ એક ઈર્ષાના ઝટકાનુ કારણ બન્યુ છે. ધનાઢ્ય બોર્ડ BCCI ને વિશ્વભરના ક્રિકેટ બોર્ડમાં સૌથી વધારે હિસ્સો મળનારો છે.
ICC ના રેવન્યૂ મોડલ મુજબ BCCI ને આગામી 4 વર્ષ માટે મોટો હિસ્સો રેવન્યૂના રુપમાં મળશે. રેવન્યૂ મોડલ મુજબ ભારતીય ક્રિકેટ બોર્ડને 38.50 ટકા હિસ્સો મળનારો છે. આમ આગામી ચાર વર્ષ માટે આ હિસ્સો મળતા વર્ષે 231 મિલિયન ડોલર સુધીની રકમ મળી શકે છે. પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષે હવે આ મામલે પોતાનો વિરોધ દર્શાવ્યો છે. કોઈ બોર્ડે વિરોધ ખૂલીને નોંધાવ્યો હોય એવુ પાકિસ્તાન છે. નજમ શેઠીએ મીડિયા સાથેની વાતચિતમાં રેવન્યૂ મોડલના આંકડાઓને લઈ સવાલ ઉઠાવ્યા છે.
જેની સામે પાકિસ્તાનના ફાળે માત્ર 34.51 મિલિયન ડોલર જ રકમ મળવાની સંભાવના છે. ઈંગ્લેન્ડને તેનાથી વધારે 41.33 મિલિયન ડોલર રકમ મળશે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને 37.53 મિલિયન ડોલરની રકમ મળશે. આમ ભારતીય ક્રિકેટ બોર્ડને મળનારી રકમની સામે પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશના બોર્ડને મળનારી રકમ ખૂબ જ ઓછી લાગી રહી છે.
હવે પાકિસ્તાન નવા રેવન્યૂ મોડલને લઈ ઈર્ષાથી લાલચોળ છે. હવે નજમ સેઠીએ વિરોધ ધમકીના સૂરમાં કર્યો છે. આગામી વાર્ષિક સાધારણ સભા દરમિયાન નવા મોડલ પાસ થનાર છે. આ પહેલા જ હવે શેઠીએ તેને રોકવા માટે પ્રયાસ શરુ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સનુસાર સેઠીએ કહ્યુ છે કે, કયા આધાર પર હિસ્સાની વહેંચણી કરવામાં આવી છે, તે અંગેની જાણકારી તેમને અને તમામ બોર્ડ સભ્યોને આપવામા આવે. આમ ન કરવા પર આ મોડલને આઈસીસીની બેઠકમાં પાસ નહીં કરવાની ધમકી આપી છે.
Published On - 11:00 pm, Wed, 17 May 23