ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) સિઝનમાં બે નવી ટીમો જોડાઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગયા વર્ષે ઓક્ટોબરમાં હરાજી પ્રક્રિયા દ્વારા અમદાવાદ (Ahmedabad) અને લખનૌ (Lucknow) ફ્રેન્ચાઈઝીને વેચી દીધી હતી, જેને CVC કેપિટલ્સ (અમદાવાદ) અને ગોએન્કા ગ્રુપ (લખનૌ) દ્વારા ભારે કિંમતે ખરીદી લેવામાં આવી હતી. આ સાથે, આ બંને ટીમોને મોટી હરાજી (IPL 2022 Mega Auction) પહેલા 3-3 ખેલાડીઓને સાઈન કરવાની પરવાનગી પણ આપવામાં આવી હતી.
પરંતુ CVC કેપિટલ્સના કોન્ટ્રાક્ટ ઇશ્યૂને કારણે પ્રક્રિયામાં વિલંબ થયો હતો. હવે બીસીસીઆઈએ બંને ફ્રેન્ચાઈઝીને નવી ડેડલાઈન જારી કરીને 31 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. બંને ફ્રેન્ચાઇઝીએ આ તારીખ સુધીમાં બોર્ડને તેમના 3 ખેલાડીઓના નામ જણાવવાના રહેશે.
IPLની 15મી સીઝન પહેલા એક મોટી હરાજીનું આયોજન કરવામાં આવનાર છે. બે નવી ટીમના ઉમેરા સાથે આ હરાજી વધુ મહત્વની બની ગઈ છે. હકીકતમાં, બીસીસીઆઈએ ઓક્ટોબર 2021માં ફ્રેન્ચાઈઝીની હરાજી કરી હતી. આ પછી, હાલની 8 ફ્રેન્ચાઇઝીએ 30 નવેમ્બરના રોજ રીટેન્શન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તેમના લગભગ તમામ ખેલાડીઓને મુક્ત કર્યા હતા.
જૂની 8 ટીમોએ કેટલાક ખેલાડીઓને જાળવી રાખ્યા હતા અને નવી ટીમોને પણ લાભ આપવા માટે બોર્ડે 25 ડિસેમ્બર સુધી 3-3 ખેલાડીઓને સાઇન કરવાની મંજૂરી આપી હતી. સટ્ટાબાજીની કંપનીઓ સાથે સીવીસી કેપિટલ્સની લિંક્સ પ્રકાશમાં આવ્યા બાદ બોર્ડે પ્રક્રિયાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.
બીસીસીઆઈએ ગયા મહિને સીવીસી કેપિટલ્સની યોગ્યતા પર એક તપાસ સમિતિની રચના કરી હતી. હવે સ્પોર્ટ્સ વેબસાઈટના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સીવીસી કેપિટલ્સને બીસીસીઆઈ કમિટી તરફથી લીલી ઝંડી મળી ગઈ છે અને બોર્ડ ટૂંક સમયમાં નવા કરાર પર હસ્તાક્ષર કરશે.
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો વચ્ચે આવતા અઠવાડિયે મુંબઈમાં કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ સાથે 31 જાન્યુઆરી સુધીમાં 3 ખેલાડીઓને સાઇન કરવાની સમયમર્યાદાનો નિર્ણય પણ IPL ગવર્નિંગ કાઉન્સિલમાં જાહેર કરવામાં આવશે.
BCCI દ્વારા ટુર્નામેન્ટની નવી સિઝન માટે મેગા ઓક્શનની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. જો કે, તાજેતરના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હરાજી 12-13 ફેબ્રુઆરીના રોજ બેંગલુરુમાં થશે. આ હરાજી દ્વારા, તમામ ફ્રેન્ચાઇઝી ફરી એકવાર તેમની ટીમ તૈયાર કરશે, જે આગામી ત્રણ વર્ષ માટે માન્ય રહેશે.
Published On - 10:16 pm, Sun, 9 January 22