ભારતમાં આગમી વનડે વિશ્વકપનુ આયોજન કરવામાં આવ્યુ છે. માટે BCCI દ્વારા તૈયારીઓ તડામારના ધોરણે ચાલી રહી છે. બીજી તરફ BCCI ટીમ ઈન્ડિયાને લઈને પણ તૈયારીઓ કરી રહ્યુ છે. ઘર આંગણે યોજાનારા વિશ્વકપમાં ભારતીય ટીમનુ દમદાર પ્રદર્શન અને ટ્રોફી ટીમ ઈન્ડિયાના હાથોમાં જોવાનુ સપનુ દરેક ભારતીયનુ છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા તૈયારીઓ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને BCCI સચિવ જય શાહ વચ્ચે લાંબી મિટિંગ ચાલી હતી.
બંને વચ્ચે યોજાયેલી બેઠકને લઈ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં સૌથી મહત્વની વાત આગામી વિશ્વ કપને લઈ જોવામાં આવી રહ્યુ છે. વનડે વિશ્વ કપની તૈયારીઓને લઈ બંને વચ્ચે ચર્ચાઓ થઈ હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. બીજી તરફ રાહુલ દ્રવિડનો હેડ કોચ તરીકેનો કાર્યકાળ પણ વર્ષના અંતમાં જ સમાપ્ત થઈ જવા રહ્યો છે.
ટીમ ઈન્ડિયા તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે હતી. પ્રવાસની અંતિમ બે T20 મેચ ફ્લોરિડામાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાનુ રોકાણ આ દરમિયાન મીયામીમાં હતુ. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની અંતિમ બંને મેચ દરમિયાન BCCI ના સચિવ જય શાહ જોવા મળ્યા હતા. જય શાહ આ દરમિયાન અમેરિકાના પ્રવાસે હતા. જય શાહ અને રાહુલ દ્રવિડ વચ્ચે મિટિંગ થઈ હતી અને જે લગભગ 2 કલાક જેટલી લાંબી ચાલી હોવાના મીડિયા રિપોર્ટ્સ છે.
હેડ કોચ રાહુલ દ્રવિડ સામેથી સચિવ જય શાહને મળવા માટે તેમની રોકાણની હોટલે પહોંચ્યા હતા. જ્યાં બંને વચ્ચે લાંબી મિટિંગમાં ચર્ચાઓ થઈ હતી. આ બેઠકને સિક્રેટ બેઠકના રુપમાં જોવામાં આવી રહી છે. આગામી બે મોટા અસાઈન્મેન્ટ રાહુલ દ્રવિડ સામે છે, જેમાંથી એક વનડે વિશ્વ કપ છે. એશિયા કપની શરુઆત 30 ઓગષ્ટથી થઈ રહી છે, જ્યારે 5 ઓક્ટોબરથી વનડે વિશ્વ કપ 2023 શરુ થનાર છે.
આગામી નવેમ્બર માસમાં રાહુલ દ્રવિડનો મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થનારો છે. 19 નવેમ્બરે BCCI સાથે હેડ કોચ તરીકેના કોન્ટ્રાક્ટનો કાર્યકાળ સમાપ્ત થનારો છે. આ પહેલા એશિયા કપ અને વિશ્વ કપ 2023 મોટા અસાઈન્મેન્ટના રુપમાં જોવામાં રહ્યા છે. જોકે હાલ તો બંને વચ્ચેની બેઠક અંગે કોઈ વિવરણ સામે આવ્યુ નથી, પરંતુ આ બેઠકને સામાન્ય રુપથી જોવામાં આવી રહી નથી.
Published On - 11:01 am, Fri, 18 August 23