8 એપ્રિલથી 6 જુદા જુદા સ્થળોએ રમાનારી મહિલા સિનિયર ટી20 ટ્રોફી માટે ખેલાડીઓ ફરજિયાત ક્વોરન્ટાઇનમાંથી પસાર થશે નહીં. જોકે બાયો-બબલ (Bio-Bubble) જાળવી રાખવામાં આવશે. 2 વર્ષના અંતરાલ બાદ ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી રણજી ટ્રોફી (Ranji Trophy) દરમિયાન ખેલાડીઓને 5 દિવસના ક્વોરેન્ટાઇનમાંથી પસાર થવું પડ્યું હતું. ટુર્નામેન્ટનો બીજો ભાગ આઈપીએલ બાદ યોજાશે.
છેલ્લા કેટલાક મહિનામાં કોવિડના કેસોમાં તીવ્ર ઘટાડો થયા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) એ ક્વોરેન્ટાઇન પ્રોટોકોલને દૂર કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ બાયો-બબલ દરેક સ્થળે હશે અને નિયમિતપણે કોવિડના પરીક્ષણો હાથ ધરવામાં આવશે.
મહત્વનું છે કે હાલમાં જ ન્યુઝીલેન્ડમાં પુરી થયેલ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2022 ની ટીમનો ભાગ બનેલા મોટા ભાગના ભારતીય ટીમના મહિલા ખેલાડીઓ સ્થાનિક T20 ઈવેન્ટમાં ભાગ લે તેવી શક્યતાઓ છે. રાજ્ય એકમોને મોકલવામાં આવેલા પત્રમાં ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ લખ્યું હતું કે, “કોઈ ફરજિયાત ક્વોરન્ટાઇન રહેશે નહીં. પરંતુ બાયો-બબલ જાળવવામાં આવશે. તમામ ટીમો નેગેટિવ RT-PCR ટેસ્ટ સાથે પોત પોતાના સ્થળોએ પહોંચશે.
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એક અધિકારીએ કોવિડ પ્રોટોકોલ વિશે પીટીઆઈને જણાવ્યું કે, “હોટલના રૂમમાં ક્વોરેન્ટાઈનની મંજૂરી છે. સ્પર્ધા દરમિયાન ખેલાડીઓના ટેસ્ટ કરવામાં આવશે. તેઓ 15મી એપ્રિલે આવશે અને 18મીએ પ્રથમ મેચ પહેલા તાલીમ શરૂ કરી શકશે.
અધિકારીએ કહ્યું, “કોઈપણ રીતે, અમે કોવિડ સામેની સાવચેતીઓ ઓછી કરી રહ્યા નથી. વાયરસની સ્થિતિને નિયંત્રણમાં લાવવાને કારણે ક્વોરેન્ટાઇન પ્રોટોકોલ દૂર કરવામાં આવ્યો છે. કોઈપણ ખેલાડીને હોટલ છોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
સ્થાનિક ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની વાત કરીએ તો તમામ ટીમોને પાંચ ચુનંદા પૂલમાં 6 ટીમો હશે. જ્યારે પ્લેટ જૂથમાં 7 ટીમો હશે. આ મેચ પોંડિચેરી, ત્રિવેન્દ્રમ, રાજકોટ, મોહાલી, રાંચી અને ગુવાહાટીમાં રમાશે. તો ટુર્નામેન્ટની નોક આઉટ મેચ સુરતમાં રમાશે.
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, “દરેક મેદાન 3-3 મેચોની યજમાની કરશે. સવારની 2 મેચ સવારે 8.30 કલાકે શરૂ થશે અને સાંજની મેચ સાંજે 4.30 કલાકે રોશની હેઠળ રમાશે.
આ પણ વાંચો : IPL 2022: દિલ્હી કેપિટલ્સના સુકાની રિષભ પંત પાસેથી એક હાથે શોટ્સ રમતા શીખવા માંગુ છું: ડેવિડ વોર્નર
આ પણ વાંચો : MI vs KKR, IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનો કોલકાતા સામે 161 રનનો સ્કોર, સૂર્યકુમારની અડધી સદી