
મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી દૂર કરવાનો મુદ્દો હવે ઘણો આગળ વધી ગયો તેવું લાગે છે. મળતી માહિતી મુજબ, બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપ માટે ભારત આવશે નહીં.
T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન બાંગ્લાદેશની ચારેય ગ્રુપ મેચ ભારતમાં યોજાવાની છે. કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે ત્રણ મેચ અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે એક મેચનું આયોજન કરવામાં આવ્યું છે.
બાંગ્લાદેશની ટીમ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 રમવા માટે ભારત જશે નહીં. બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નઝરુલે 4 જાન્યુઆરી (રવિવાર) ના રોજ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાતની પુષ્ટિ કરી છે. નઝરુલે કહ્યું કે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB) એક બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
હવે જોવાનું એ છે કે, ICC આ મુદ્દા પર શું વલણ અપનાવે છે, કારણ કે આ મોટી ઇવેન્ટ માટે શેડ્યૂલને બધું ICC જ તૈયાર કરે છે.
આસિફ નજરુલે પોતાના ફેસબુક એકાઉન્ટ પર લખ્યું કે, “બાંગ્લાદેશ વર્લ્ડ કપ રમવા માટે ભારતનો પ્રવાસ કરશે નહીં. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આજે (04 જાન્યુઆરી) આ નિર્ણય લીધો છે.”
BCB નો આ નિર્ણય બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માંથી બાકાત રાખ્યા બાદ લેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ને મુસ્તફિઝુરને તેમની ટીમમાંથી રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો હતો. KKR એ BCCI ના નિર્દેશોનું પાલન કરીને મુસ્તફિઝુરને રિલીઝ કર્યો.
ગયા મહિને IPL મીની-ઓક્શન દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સે મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડમાં ખરીદ્યો હતો. ભારતના કેટલાક ધાર્મિક અને રાજકીય સંગઠનોએ બાંગ્લાદેશી ખેલાડીની IPL માં ભાગીદારી અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જો કે, ત્યારબાદ BCCI એ મુસ્તફિઝુર હટાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.
Published On - 3:44 pm, Sun, 4 January 26