
એશિયા કપ 2023ની ચોથી મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને 89 રનથી હરાવ્યું હતું. લાહોરમાં રમાયેલી આ મેચમાં બાંગ્લાદેશે જોરદાર બેટિંગ બાદ જબરદસ્ત બોલિંગ વડે અફઘાનિસ્તાનને હરાવીને સુપર-ફોરમાં પહોંચવાની આશા અકબંધ રાખી હતી. બાંગ્લાદેશની આ જીતમાં મેહદી હસન મિરાઝનું ઓલરાઉન્ડ પ્રદર્શન, નઝમુલ હસન શાંતોની જોરદાર સદી અને ફાસ્ટ બોલર તસ્કીન અહેમદની ઘાતક બોલિંગ મુખ્ય ભૂમિકા ભજવી હતી. બાંગ્લાદેશ ગ્રુપ સ્ટેજની તેની બંને મેચ રમી ચૂક્યું છે અને હવે તેણે શ્રીલંકા-અફઘાનિસ્તાનના પરિણામ પર નિર્ભર રહેવું પડશે.
ગદ્દાફી સ્ટેડિયમમાં રવિવારે 3 સપ્ટેમ્બરે રમાયેલી આ મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરીને 334 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં અફઘાનિસ્તાન તસ્કીન અને શોરીફુલ ઈસ્લામની ઝડપે ઉડી ગયું હતું. ઇબ્રાહિમ ઝદરાનની ઇનિંગ પણ અફઘાનિસ્તાનને બચાવવા માટે પૂરતી ન હતી અને આખી ટીમ માત્ર 245 રન જ બનાવી શકી હતી. બાંગ્લાદેશને તેની પ્રથમ મેચમાં શ્રીલંકાના સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં તેના માટે કોઈપણ ભોગે આ મેચ જીતવી જરૂરી હતી. તે જ સમયે, અફઘાનિસ્તાન પાસે હજુ પણ તક છે, પરંતુ તેણે તેની આગામી મેચમાં શ્રીલંકાને મોટા અંતરથી હરાવવું પડશે.
શાકિબ અલ હસને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને તે પહેલા પાવરપ્લેમાં જ સાચો સાબિત થયો હતો. દસ ઓવરમાં જ મિરાજ (112) અને મોહમ્મદ નઈમ (28)ની ઓપનિંગ જોડીએ 60 રનની ભાગીદારી કરી હતી. સામાન્ય રીતે નીચલા ક્રમમાં બેટિંગ કરતા મિરાજને આ વખતે ઓપનિંગ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો અને તેણે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. ચોથા નંબરના બેટ્સમેન શાંતો (104)ની સાથે તેણે સારી શરૂઆત બાદ ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડવાનો પાયો નાખ્યો હતો.
આ પણ વાંચો : ભારત પાકિસ્તાન મેચની ટિકિટો માટે જબરદસ્ત ધસારો, ગણતરીની મિનિટોમાં જ પ્રથમ સ્લોટ વેચાઈ ગયો
મિરાજ અને શાંતો વચ્ચે ત્રીજી વિકેટ માટે 194 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. આ દરમિયાન મિરાજે તેની કારકિર્દીની બીજી સદી ફટકારી હતી પરંતુ સદી ફટકાર્યાના થોડા જ સમયમાં તે કાંડાની ઈજાને કારણે નિવૃત્ત થઈ ગયો હતો. ત્યારબાદ શાંતોએ પણ પોતાની બીજી સદી ફટકારી હતી. આ બંને બાદ કેપ્ટન શાકિબ (અણનમ 32) અને મુશફિકુર રહીમ (25)એ ટૂંકી પરંતુ ઝડપી ઇનિંગ્સ રમી અને ટીમને 5 વિકેટે 334 રન સુધી પહોંચાડી દીધી.
Published On - 11:54 pm, Sun, 3 September 23