
ટીમ ઇન્ડીયા માટે રવીન્દ્ર જાડેજા બની ગયો ‘જડ્ડૂ’, વિરાટ કોહલી બની ગયો ‘ચીકૂ’ અને અક્ષર પટેલને નામ મળ્યું ‘બાપુ’. જેટલા ખેલાડી એટલા નીકનેમ. પણ આ બધા નામ પાછળનું કારણ એક. મહેન્દ્ર સિંહ ધોની. અક્ષર પટેલે છેવટે ટીમ ઇન્ડીયાના બાપુ બનવા પાછળના કારણનો ખુલાસો કર્યો હતો અને આ માટે તેણે એમ.એસ. ધોનીને જવાબદાર ગણાવ્યો છે. હવે પ્રશ્ન એ છે કે એમ.એસ. ધોનીએ કેમ અક્ષર પટેલનું નામ બાપુ રાખ્યું. IPL ના સોશિયલ મીડીયા એકાઉન્ટ પર એક વીડિયો શેર થયો છે, જેમાં પોતે અક્ષર પટેલ આ પાછળની હકીકત જાણાવી રહ્યો છે.
અક્ષર પટેલને જ્યારે પૂછવામાં આવ્યું કે આ પાછળનું કારણ શું છે તો તેણે જણાવ્યું કે આ પાછળ મહેન્દ્ર સિંહ ધોની છે. જ્યારે વધુ પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે,”જ્યારે તે બોલિંગ કરતો હતો ત્યારે ધોનીએ તેને પૂછયું હતું કે એ તેને કયા નામથી બોલાવે? અક્ષર તો ન કહી શકાય. પટેલ પણ ન કહી શકાય. તો પછી શું નામથી બોલાવું ?”
અક્ષરે વધુમાં જણાવ્યું કે ,”એ જ મેચમાં રવીન્દ્ર જાડેજા પણ રમી રહ્યો હતો, જેને ગુજરાતમાં બાપુ કહેવામાં આવે છે. તો માહી ભાઇને લાગ્યુ કે દરેક ગુજરાતી બાપુ હોય છે. અને ત્યારથી જ ધોનીએ તેને બાપુ કહેવાનું શરૂ કર્યુ. એક વાર જ્યારે ધોનીએ બાપુ નામથી બોલાવ્યો તો ટીમના બીજા સદસ્યોએ પણ શરૂ કરી દીધુ હતું.”
અક્ષર પટેલ આઇપીએલ 2023માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહ્યો છે. આ સીઝનમાં દિલ્હીની ટીમે ચાર મેચ રમી છે અને તમામમાં દિલ્હીની હાર થઇ છે. પણ અક્ષર પટેલને આ વાતની ચિંતા નથી અને તેણે આશા વ્યક્ત કરી હતી કે દિલ્હી આઇપીએલ 2023માં કમબેક કરશે. IPL 2023માં દિલ્હી કેપિટલ્સ તેની આગામી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમશે. આ મેચ બેંગલુરૂમાં રમાશે, જે દિલ્હીની આ સીઝનની 5મી મેચ હશે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…