આઇપીએલ મેગા ઓક્શન 2022 (IPL 2022 Mega Auction) માં ઘણા ખેલાડીઓ પર જોરદાર બોલી લગાવવામાં આવી હતી. ટીમોના પ્રયાસો તેમના જૂના ખેલાડીઓને તેમની સાથે ઉમેરવાના હતા. ઘણી ટીમો આ કરવામાં સફળ પણ રહી હતી. જો કે કેટલાક ખેલાડીઓ પોતાની જૂની ટીમમાં જઈ શક્યા ન હતા અને આમાનુ એક નામ છે અવેશ ખાન (Avesh Khan). અવેશ ખાન અત્યાર સુધી દિલ્હી તરફથી રમતો હતો પરંતુ આ ખેલાડીને હવે નવી ટીમે ખરીદ્યો છે. અવેશ હવે નવી ટીમ લખનૌ સુપરજાયન્ટ્સ (Lucknow Supergiants) માં રમતા જોવા મળશે. લખનૌએ તેના માટે 10 કરોડ આપ્યા છે અને તે IPL ઇતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બની ગયો છે. અવેશે હરાજી લાઈવ જોઈ નથી પરંતુ તેણે પોતાનો અનુભવ જણાવ્યો છે.
અવેશે કહ્યું છે કે તેને 7 કરોડ રૂપિયામાં વેચવાની અપેક્ષા હતી પરંતુ તેને 10 કરોડ રૂપિયામાં વેચવાની આશા નહોતી. અવેશે એમ પણ કહ્યું કે જ્યારે ટીમો તેના માટે લડી હતી તેનાથી પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો કારણ કે તેને તેવી અપેક્ષા પણ નહોતી.
મીડિયા રિપોર્ટ મુજબ એક વાતચિચતમાં અવેશે કહ્યું, હું તે સમયે ફ્લાઈટમાં હતો અને મને આશા હતી કે મને સાત કરોડ રૂપિયા મળશે. પરંતુ હું ફ્લાઈટમાં હોવાથી હું હરાજી લાઈવ જોઈ શક્યો નહીં. કઈ ટીમ મને કેટલામાં ખરીદશે તે વિચારીને હું નર્વસ થઈ રહ્યો હતો. ફ્લાઇટમાંથી ઉતર્યા પછી, જ્યારે મને ખબર પડી કે લખનૌએ મને ખરીદ્યો છે, ત્યારે હું પાંચ સેકન્ડ માટે જામ થઇ ગયો. પરંતુ પછી બાબતો સામાન્ય થઈ ગઈ. મેં કહ્યું ઠીક છે.
અવેશ લાંબા સમયથી દિલ્હી કેપિટલ્સ સાથે હતો. ગયા વર્ષે આ જ ટીમ સાથે રમીને તે સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં બીજા સ્થાને હતો. પરંતુ હવે તેની દિલ્હી સાથેની સફર પૂરી થઈ ગઈ છે. દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે જે કહ્યું તે અવેશે કહ્યું.
જમણા હાથના બોલરે કહ્યું, હું રિકી પોન્ટિંગ એન્ડ કંપનીને મિસ કરીશ. દિલ્હી કેપિટલ્સ સાથે મારું ભાવુક જોડાણ છે. જ્યારે અમારી ફ્લાઈટ કોલકાતામાં લેન્ડ થઈ ત્યારે હું પંતને મળ્યો, તેણે મને ગળે લગાડ્યો અને કહ્યું, ‘માફ કરજો હું તેને લઈ ન શક્યા.’ કારણ કે તેની પાસે વધુ પૈસા બચ્યા ન હતા અને તેમણે બાકીના ખેલાડીઓ પણ ખરીદવા હતા. જ્યારે મેં પછીથી હરાજી જોઈ, ત્યારે મેં જોયું કે તેઓએ મારા માટે છેલ્લી બોલી તરીકે 8.75 કરોડ રૂપિયા મૂક્યા હતા, પરંતુ પછી લખનૌએ છેલ્લી બોલી લગાવી. પંત સાથેની તે ખૂબ જ ભાવનાત્મક ક્ષણો હતી. અમે અંડર-19માં સાથે રમ્યા છીએ. અમે હંમેશા મેચ પછી સાથે બેસીએ છીએ.