
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઝડપી બોલર કેન રિચર્ડસને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. તેના આ નિર્ણયથી ઓસ્ટ્રેલિયા ક્રિકેટ અને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. કેન રિચર્ડસન વર્ષ 2021 માં ટી20 વર્લ્ડ કપ જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમનો હિસ્સો હતો. જો કે, આગામી આઈસીસી (ICC) T20 વર્લ્ડ કપ માટે તેને ઓસ્ટ્રેલિયન ટીમમાં જોડવામાં આવ્યો નહોતો.
34 વર્ષીય આ ખેલાડીએ પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ ભારત વિરુદ્ધ વર્ષ 2023 માં રમી હતી. બિગ બૅશ લીગની 15મી સીઝનમાં તે સિડની સિક્સર્સની ટીમનો હિસ્સો હતો પરંતુ ત્યાં પણ તેને માત્ર બે મેચમાં રમવાની તક મળી હતી.
કેન રિચર્ડસને પોતાની પ્રોફેશનલ કારકિર્દીની શરૂઆત વર્ષ 2009માં કરી હતી. આ દરમિયાન તે 10 વર્ષ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સક્રિય રહ્યો હતો. તેણે વર્ષ 2013માં પોતાનું ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું, જ્યારે છેલ્લી મેચ વર્ષ 2023માં ભારત વિરુદ્ધ ગુવાહાટીમાં રમી હતી. તેની T20 ઇન્ટરનેશનલ કારકિર્દીની શરૂઆત પાકિસ્તાન વિરુદ્ધ વર્ષ 2014માં થઈ હતી.
કેન રિચર્ડસને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 61 મેચ રમ્યો અને 84 વિકેટ પોતાના નામે કરી હતી. રિચર્ડસન પોતાની કારકિર્દીમાં 25 વન-ડે મેચ રમ્યો હતો. આ દરમિયાન તેણે 39 વિકેટ પોતાના નામે કરી હતી. વન-ડેમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 68 રન આપીને 5 વિકેટ લેવાનું છે.
બીજી તરફ, જો T20 ઇન્ટરનેશનલમાં તેના પ્રદર્શનની વાત કરીએ તો, ત્યાં તે 36 મેચ રમવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન કેન રિચર્ડસને 45 વિકેટ ઝડપી હતી. આ ફોર્મેટમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 30 રન આપીને 4 વિકેટ લેવાનું રહ્યું છે. જો કેન રિચર્ડસનની સમગ્ર પ્રોફેશનલ કારકિર્દીની વાત કરીએ તો, 17 વર્ષમાં તેણે સૌથી વધુ 201 T20 મુકાબલા રમ્યા, જેમાં 241 વિકેટ પોતાના નામે કરી.
રિચર્ડસન પોતાની કારકિર્દી દરમિયાન દુનિયાભરની લીગમાં રમતો જોવા મળ્યો હતો. IPL માં તે 3 ટીમનો ભાગ રહ્યો હતો, જેમાં રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પુણે વોરિયર્સના નામ છે. જો કે, આઈપીએલમાં તેને માત્ર 15 મેચમાં રમવાની તક મળી હતી.
IPL માં તેણે 19 વિકેટ પોતાના નામે કરી હતી. તેણે પોતાની છેલ્લી T20 મેચ બિગ બૅશમાં 26 ડિસેમ્બર 2025 ના રોજ રમી હતી. કેન રિચર્ડસને બિગ બૅશમાં પણ 3 ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને આ દરમિયાન તેણે 118 મેચમાં કુલ 142 વિકેટ ઝડપી હતી.