ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સ (Asian Games 2023) માં રવિવારે બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ મલેશિયા સામે હતી.વરસાદના કારણે 15 ઓવર પ્રતિ ઈનિંગમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) એ પ્રથમ બેટિંગ કરી હતી અને બે વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. પરંતુ મલેશિયાની ઈનિંગમાં માત્ર બે બોલ ફેંકાયા હતા અને વરસાદ આવ્યો હતો જેના કારણે મેચ રમાઈ શકી ન હતી. સારી રેટિંગના કારણે ભારતને સેમીફાઈનલમાં જગ્યા મળી હતી. હવે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ (Bangladesh) ને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરશે.
હરમનપ્રીત કૌર આ ગેમ્સ માટે ભારતીય ટીમની કેપ્ટન છે પરંતુ ICCએ તેના પર બે મેચનો પ્રતિબંધ લગાવ્યો છે. બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન હરમનપ્રીતના ખરાબ વર્તનને કારણે તેના પર આ પ્રતિબંધ લાગ્યો છે. આ કારણોસર તે પ્રથમ મેચમાં રમી ન હતી અને તે બીજી મેચમાં પણ નહીં રમે. આવી સ્થિતિમાં ફરી એકવાર ટીમની કમાન મંધાનાના હાથમાં રહેશે. મંધાના બેટની સાથે સાથે કેપ્ટનશિપમાં પણ શાનદાર પ્રદર્શન કરીને ટીમને ફાઇનલમાં લઈ જવાનો પ્રયાસ કરશે. મંધાનાનું બેટ મલેશિયા સામે ન ચાલ્યું, પરંતુ બાંગ્લાદેશ સામે રન બનાવવા તેના માટે જરૂરી છે. પ્રથમ મેચમાં શેફાલી વર્મા અને જેમિમાહ રોડ્રિગ્સે શાનદાર બેટિંગ કરી હતી. શેફાલીએ અડધી સદી ફટકારી હતી પરંતુ રોડ્રિગ્સ ફિફ્ટી બનાવવાથી ચૂકી ગઈ હતી. આ મેચમાં પણ ટીમ ઈચ્છશે કે બંને સારી બેટિંગ કરે.
આ મેચમાં ટીમ ઈન્ડિયાની નજર પણ બદલો લેવા પર રહેશે. એશિયન ગેમ્સ પહેલા ભારતે બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો. ભારતે T20 શ્રેણી જીતી હતી. પરંતુ વનડે શ્રેણી 1-1થી ડ્રો રહી હતી. સિરીઝની ત્રીજી મેચમાં બાંગ્લાદેશનો વિજય થયો હતો અને આ મેચમાં હરમનપ્રીત કૌરનો વિવાદ થયો હતો. અમ્પાયરના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતાં હરમનપ્રીતે પોતાના બેટથી સ્ટમ્પને ફટકાર્યા હતા.
આ પણ વાંચો : ICC રેન્કિંગ : હવે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનું રાજ, પાકિસ્તાનને પછાડ્યું
બાંગ્લાદેશની ટીમને મહિલા ક્રિકેટમાં નબળી માનવામાં આવે છે. પરંતુ આ ટીમે સાબિત કરી બતાવ્યું છે કે તે કંઈ પણ કરી શકે છે. આ ટીમે ભારતને પહેલા હરાવ્યું છે અને આવી સ્થિતિમાં ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ નહીં કરે. બાંગ્લાદેશ માટે એકમાત્ર સમસ્યા એ છે કે તેમણે આ ગેમ્સમાં હજુ સુધી એક પણ મેચ રમી નથી. ક્વાર્ટર ફાઈનલમાં બાંગ્લાદેશને હોંગકોંગ સામે રમવાનું હતું પરંતુ વરસાદના કારણે આ મેચ થઈ શકી ન હતી. ભારતીય બેટ્સમેનોને મલેશિયા સામે બેટિંગ કરવાની તક મળી પરંતુ બાંગ્લાદેશના ખેલાડીઓને આ તક મળી નહીં.
એશિયન ગેમ્સમાં અત્યાર સુધી ચાર ક્વાર્ટર ફાઈનલ મેચોમાંથી માત્ર એક જ મેચ રમાઈ છે. બાકીની ત્રણ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. થાઈલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચ એકમાત્ર એવી હતી જે પૂરી થઈ શકી હતી પરંતુ વરસાદને કારણે આ મેચ પણ 15 ઓવર પ્રતિ ઈનિંગની થઈ ગઈ હતી. આ મેચમાં પણ વરસાદની શક્યતા છે. જો આ મેચ વરસાદને કારણે ધોવાઈ જશે તો ભારત ફાઇનલમાં પહોંચી જશે કારણ કે ભારતની રેન્કિંગ બાંગ્લાદેશ કરતા સારી છે.