Asian Games 2023: ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ મળ્યા બાદ ઋતુરાજ ગાયકવાડનો નવો ધ્યેય Gold મેડલ

ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવામાં અત્યાર સુધી નિષ્ફળ રહેલા ઋતુરાજ ગાયકવાડને સૌથી મોટી જવાબદારી મળી છે અને તેની પાસે ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવવાની તક છે. ઋતુરાજ ગાયકવાડ એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કરશે.

Asian Games 2023: ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ મળ્યા બાદ ઋતુરાજ ગાયકવાડનો નવો ધ્યેય Gold મેડલ
Ruturaj Gaikwad
| Edited By: | Updated on: Jul 15, 2023 | 11:28 PM

ભારતીય ક્રિકેટ માટે આગામી ચાર મહિના ઘણા મહત્વના રહેવાના છે. આ ચાર મહિનામાં ટીમ ઈન્ડિયા (Team India) ત્રણ મોટી ઈવેન્ટમાં ભાગ લેશે. ટીમનો પ્રયાસ અને ચાહકોની આશા હશે કે ભારત ત્રણેય ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બને. જ્યારે દરેકની નજર એશિયા કપ અને પછી વર્લ્ડ કપ પર હશે, ત્યારે આ બંને ટૂર્નામેન્ટની વચ્ચે એશિયન ગેમ્સ યોજાશે. જેમાં યુવાઓથી ભરેલી ટીમ ઈન્ડિયા પોતાનો કમાલ બતાવશે.

અશિયન ગેમ્સમાં ગોલ્ડ પર ભારતની નજર

ઋતુરાજ ગાયકવાડ આ ટીમની કમાન સંભાળશે, જે પ્રથમ વખત કેપ્ટનશીપ કરશે. ગાયકવાડે આ અંગે પોતાનો ઈરાદો પણ સ્પષ્ટ કરી દીધો છે કે તેઓ પોડિયમ પર ગોલ્ડ મેડલ જીતવા ઈચ્છે છે.

એશિયન ગેમ્સમાં ભાગ લેશે યુવા ટીમ

ઋતુરાજ ગાયકવાડ હાલ ટીમ ઈન્ડિયા સાથે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. ત્યાં તેને પ્રથમ ટેસ્ટ મેચમાં તક મળી ન હતી અને બીજી ટેસ્ટ મેચમાં પણ તક મળવાની શક્યતા ઓછી છે. જો કે તે ODI સિરીઝમાં રમતો જોવા મળી શકે છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવામાં નિષ્ફળ રહેલા ઋતુરાજની સામે હવે એક નવો ટાર્ગેટ છે, જેનાથી ન માત્ર તેનું નામ ઈતિહાસમાં નોંધાશે પરંતુ તેને ટીમ ઈન્ડિયામાં સતત તકો પણ મળી શકે છે.

ઋતુરાજ કેપ્ટનશીપ મળતા ખુશ

28 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર 2023 દરમિયાન ચીનમાં રમાનારી એશિયન ગેમ્સની ક્રિકેટ ઈવેન્ટમાં ઋતુરાજને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે આ 26 વર્ષીય બેટ્સમેન આટલી મોટી જવાબદારી મળ્યા બાદ ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છે. વેસ્ટ ઈન્ડિઝથી જ એક વીડિયો સંદેશમાં ઋતુરાજે તેને કેપ્ટન બનાવવા માટે પસંદગીકારો અને BCCIનો આભાર માન્યો હતો.

ઋતુરાજનું આગામી લક્ષ્ય

જો કે વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટ ક્રિકેટમાં સૌથી મોટી છે, પરંતુ જ્યારે તમને એશિયન ગેમ્સ કે કોમનવેલ્થ ગેમ્સ જેવી મલ્ટી-સ્પોર્ટ ઈવેન્ટમાં દેશના નેજા  નીચે રમવાની તક મળે છે ત્યારે તેનો એક અલગ જ અર્થ અને લાગણી હોય છે અને ઋતુરાજ પણ આ જાણે છે. મહારાષ્ટ્રના બેટ્સમેને કહ્યું કે નાનપણથી જ તે આ રમતોમાં ભારતીય ખેલાડીઓને જોતો આવ્યો છે અને પોડિયમ પર તેમની સાથે ભારતીય રાષ્ટ્રગીત સાંભળવું એક અલગ જ લાગણી ભરી દે છે.

આ પણ વાંચો : પાકિસ્તાન અવળચંડાઈ પર ઉતર્યું, એશિયા કપના આયોજનને લઈ શરૂ થઈ નવી માંગ

સુવર્ણ ચંદ્રક જીતવાનો ઈરાદો

દેશવાસીઓમાં આ લાગણી અને ઉત્સાહ ભરવાનું કારણ ઋતુરાજ પોતે બનવા માંગે છે. ભારતીય બેટ્સમેને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે કે તેનો ઉદ્દેશ્ય સુવર્ણ ચંદ્રક જીતીને પોડિયમ પર ઉભા રહેવાનો છે જેથી કરીને તિરંગો ઊંચો લહેરાય અને ચીનના શહેરમાં ‘જન, ગણ, મન’નો નાદ ગૂંજે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો