
27 ઓગસ્ટથી એશિયા કપ 2022 ની (Asia Cup 2022) શરૂઆત થવાની છે અને સમગ્ર ક્રિકેટ જગતની નજર આની પર છે. ખાસ કરીને ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે 28મી ઓગસ્ટે રમાનાર મુકાબલાને લઇને ભારે ઉત્સુક્તા છે. ભારત એેશિયા કપમાં ટાઇટલ જીતની હેટ્રીકની આશા સાથે મેદાન પર ઉતરશે. અત્યાર સુધી ભારતે એશિયા કપનો ખિતાબ સાત વખત જીત્યો છે. પણ આજે વાત કરીએ તે વર્ષની જ્યારે ભારતે એશિયા કપમાં ભાગ નહોતો લીધો.
વર્ષ 1986 માં રમાયેલ એશિયા કપના બીજા સંસ્કરણમાં ભારતે ભાગ લીધો નહોતો કારણ કે તે વખતે એશિયા કપનું આયોજન શ્રીલંકામાં થવાનું હતું અને એ સમયે ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો સારા ન હતા. તેથી જ ભારતે તે એશિયા કપમાં રમવાની ના પાડી દીધી હતી અને એશિયા કપનો બહિષ્કાર પણ કર્યો હતો. વર્ષ 1984માં એશિયા કપ શરૂ કરવા પાછળનો હેતુ એશિયન દેશો વચ્ચે નિકટતા વધારવાનો અને એશિયામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવાનો હતો, જેના માટે વર્ષ 1983માં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (Asian Cricket Council) ની રચના કરવામાં આવી હતી.
જ્યારે વર્ષ 1984 માં પ્રથમ એશિયા કપ રમાયો હતો તો તેમાં ભારતે જીત મેળવીને ઇતિહાસ રચ્યો હતો અને પછી 1986 માં ભારત પાસે સતત બીજી વખત એશિયા કપ જીતવાની તક હતી પણ ભારતે ટુર્નામેન્ટનો બહિષ્કાર કર્યો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડે પણ ભારતીય ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શ્રીલંકાના પ્રવાસે ટીમને મોકલવાની ના પાડી હતી. જ્યારે ભારત વર્ષ 1986માં એશિયા કપમાંથી હટી ગઇ હતી ત્યારે પાડોશી દેશ બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. આ પ્રથમ વખત હતો કે બાંગ્લાદેશને એશિયા કપમાં રમવાની તક મળી હતી પણ આ ત્રિકોણીય ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશને પાકિસ્તાન અને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશ બંનેમાંથી એક પણ મેચ જીતવામાં સફળ થયું ન હતું.
1986માં ફાઇનલમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ મુકાબલો રમાયો હતો. પાકિસ્તાને પ્રથમ ઇનિંગમાં 9 વિકેટ ગુમાવી 191 રન કર્યા હતા. પાકિસ્તાન તરફથી જાવેદ મિયાદાદે સર્વાધિક 67 રન કર્યા હતા જેના જવાબમાં શ્રીલંકાએ ફક્ત 5 વિકેટ ગુમાવી 195 રન કર્યા હતા જેમાં અર્જુન રણતુંગા અને અરવિંદ ડિસિલ્વાની અર્ધી સદી સામેલ હતી. મેચની અંતે મિયાદાદને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડથી નવાજમાં આવ્યો હતો તો ટુર્નામેન્ટમાં બેટથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શ્રીલંકાના અર્જુન રણતુંગાએ પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ પાતાના નામે કર્યો હતો.
Published On - 12:44 pm, Fri, 26 August 22