એશિયા કપ 2023 (Asia Cup 2023)માં સુપર ફોરની મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાનની આ જીત બાદ કેપ્ટન બાબર આઝમે જે કહ્યું તે ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે. હકીકતમાં 10 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે સુપર ફોરની મેચ રમાશે. પાકિસ્તાને તેની પ્રથમ સુપર ફોર મેચમાં બાંગ્લાદેશ સામે મોટી જીત મેળવી હતી અને હવે તેમની નજર ટીમ ઈન્ડિયા પર છે. કેપ્ટન બાબર આઝમે (Babar Azam) જીત બાદ તેમની ટીમના ઝડપી બોલરોની બોલિંગના વખાણ કર્યા હતા. તેનું કહેવું છે કે ભારત સામેની મોટી મેચ પહેલા ફાસ્ટ બોલરોના પ્રદર્શનને કારણે ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે.
પાકિસ્તાનના ઝડપી બોલરોએ મળીને કુલ 8 વિકેટ ઝડપી હતી. શાહીન શાહ આફ્રિદીને એક, નસીમ શાહને 3 અને હાસિફ રઉફને 4 સફળતા મળી હતી. ઝડપી બોલરોએ મળીને બાંગ્લાદેશનો દાવ 38.4 ઓવરમાં 193 રનમાં સમેટી દીધો હતો. પાકિસ્તાને 194 રનનો ટાર્ગેટ 63 બોલ પહેલા હાંસલ કરી લીધો હતો. બાબરે કહ્યું કે જીતનો શ્રેય આખી ટીમને જાય છે, ખાસ કરીને પ્રથમ 10 ઓવરમાં પહેલા શાહીન અને પછી રઉફે કમાલ કરી હતી. આ જીતથી પાકિસ્તાન ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે.
આ પણ વાંચો : Asia Cup 2023: પાકિસ્તાનના ઝડપી બોલરો એશિયા કપમાં મચાવી રહ્યા છે ધમાલ, જાણો શું છે તેમની ઘાતક બોલિંગનું રહસ્ય
પાકિસ્તાની કેપ્ટને કહ્યું કે તે હંમેશા મોટી મેચો માટે તૈયાર હોય છે. તે ભારત સામે આગામી મેચમાં પોતાનું 100 ટકા આપશે. તેણે કહ્યું કે ટીમ કોઈ દબાણ અનુભવી રહી નથી. દરેક ખેલાડી મેચમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સુપર ફોર પહેલા ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી, પરંતુ વરસાદના કારણે મેચ ધોવાઈ ગઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા 266 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શાહીન શાહ આફ્રિદીએ પ્રથમ 10 ઓવરમાં જ રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરને પેવેલિયન મોકલી દીધા હતા. ટીમ ઈન્ડિયા માટે શરૂઆતની 10 ઓવર સૌથી મુશ્કેલ હતી અને બાબર આઝમે શરૂઆતની 10 ઓવરને પોતાની તાકાત ગણાવી હતી.