ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ વચ્ચે, આજે આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાઈ રહી છે. ક્રિકેટ વર્લ્ડ કપ ટાઇટલ મેચને ભવ્ય બનાવવા માટે કોઇ કસર બાકી રાખવામાં આવી નથી. વિશ્વનું સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર હાજર એક લાખ કરતા વધુ દર્શકો અને ટેલિવિઝન પર મેચનું જીંવત પ્રસારણ જોઈ રહેલા લાખો દર્શકોને બતાવવા માટે તૈયાર છે. જે ICC ઈવેન્ટ્સમાં અગાઉ આવુ ક્યારેય ન જોવા મળ્યું હોય.
બીસીસીઆઈએ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ફાઈનલ મેચ ઉપરાંત એક પછી એક યોજાનારી શાનદાર ઈવેન્ટ્સ વિશે માહિતી આપતાં કહ્યું કે, ફાઈનલમાં દર્શકોને એર શો, લાઈટ એન્ડ સાઉન્ડ શો, ડ્રોન શો, મ્યુઝિકલ પરફોર્મન્સ, આતશબાજી જોવા મળશે. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા એર સલામી, પ્રીતમ દ્વારા લાઇવ મ્યુઝિકલ પર્ફોર્મન્સ, વિશ્વ ચેમ્પિયનના સન્માન દરમિયાન તમામ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ચેમ્પિયન્સની પરેડ, લેસર શો અને એરિયલ ‘ચેમ્પિયન્સ’ બોર્ડ – એક અલગ જ રજૂઆત કરાશે.