ક્રિકેટ મેચમાં રન આઉટ (Run Out) થવું એ કોઈ નવી કે અનોખી વાત નથી. ઘણી વખત મેચોમાં ખરાબ રનિંગ અને ક્યારેક આશ્ચર્યજનક ફિલ્ડિંગના કારણે રન આઉટ જોવા મળે છે. કેટલીકવાર બંને બેટ્સમેન એક જ છેડે ઉભા રહે છે અને રન આઉટ થાય છે. આવા રન આઉટ પણ ઘણી વખત જોવા મળ્યા છે. ઘણી વખત બેટ્સમેનનો સીધો શોટ બોલરના હાથમાં અથડાતા સ્ટમ્પ સુધી જાય છે અને રનરની રમત પૂરી થઈ જાય છે. પરંતુ વેસ્ટ ઈન્ડિઝનો ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ (Andre Russell) વિચિત્ર રનઆઉટનો શિકાર બન્યો છે. ક્રિકેટના ઈતિહાસમાં આવો રનઆઉટ ભાગ્યે જ જોવા મળ્યો છે.
બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL 2022) ની નવી સીઝન 21 જાન્યુઆરી શુક્રવારથી ઢાકામાં શરૂ થઈ હતી અને ટૂર્નામેન્ટની બીજી મેચમાં ક્રિકેટ ઈતિહાસમાં સૌથી અનોખો રનઆઉટ જોવા મળ્યો હતો. આ મેચ મિનિસ્ટર ગ્રુપ ઢાકા અને ખુલના ટાઈગર્સ વચ્ચે રમાઈ હતી. આમાં, વિન્ડીઝનો અનુભવી રસેલ મિનિસ્ટર ગ્રુપ ઢાકા (MGD) ની ટીમનો ભાગ છે, જેનું નેતૃત્વ અનુભવી બાંગ્લાદેશી ઓલરાઉન્ડર મેહમુદુલ્લાહ કરે છે. આ મેચમાં આન્દ્રે રસેલના પ્રદર્શનને જોવા માટે ચાહકો ખૂબ રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેના શાનદાર રનઆઉટ જોવાને બદલે ચર્ચાનો વિષય બની ગયો હતો.
એમજીડીએ પ્રથમ બેટિંગ કરી અને ટીમની 15મી ઓવરમાં આન્દ્રે રસેલ ક્રિઝ પર હતો. ટીમનો કેપ્ટન મેહમુદુલ્લા તેની સાથે બેટિંગ કરી રહ્યો હતો. આ ઓવરમાં થિસારા પરેરા બોલિંગ કરી રહ્યો હતો અને તેનો છેલ્લો બોલ રસેલે થર્ડમેન તરફ રમ્યો અને રન લેવા દોડ્યો. પછી અહીંથી તમાશો શરૂ થયો. થર્ડમેનના ફિલ્ડરે બેટિંગ છેડે સ્ટમ્પને નિશાન બનાવ્યું અને બોલ સીધો સ્ટમ્પ પર અથડાયો, પરંતુ મેહમુદુલ્લાહ ક્રિઝ પર પહોંચી ગયો હતો.
પરંતુ બોલ સ્ટમ્પ સાથે અથડાયો અને સીધો નોન-સ્ટ્રાઈકરના છેડા તરફ વળ્યો અને ત્યાં સ્ટમ્પની ટોચ પર મૂકેલી બેઈલ્સ ઉડી ગઇ હતી. આ જોઈને બધાને આશ્ચર્ય થયું અને આ આશ્ચર્ય ત્યારે વધી ગયું જ્યારે બધાએ જોયું કે રસેલ ક્રિઝની અંદર પહોંચ્યો નહોતો. એટલે કે જ્યાં તેને એક રન સરળતાથી મળી રહ્યો હતો ત્યાં રસેલને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.
WHAT A BIZARRE RUN OUT! 😱
📺 Watch the #BPL2022 match live on #FanCode 👉 https://t.co/wPDmICv8cM#BPLonFanCode pic.twitter.com/O43gKKfLSi
— FanCode (@FanCode) January 21, 2022
આ આઘાતજનક રનઆઉટની એમજીડીના સ્કોર પર પણ થોડી અસર થઈ અને ટીમ જબરદસ્ત શરૂઆત છતાં 200નો આંકડો પાર કરી શકી નહીં. રસેલ 3 બોલમાં માત્ર 7 રન બનાવી શક્યો હતો. જો કે, તમિમ ઈકબાલે એમજીડી માટે ઝડપી 50 (42 બોલ) બનાવ્યા, જ્યારે તેના સાથી ઓપનર મોહમ્મદ શહઝાદે 27 બોલમાં 42 રન બનાવ્યા. તેના સિવાય કેપ્ટન મેહમુદુલ્લાહે પણ 20 બોલમાં 39 રન બનાવ્યા હતા અને ટીમે 6 વિકેટના નુકસાન પર 183 રન બનાવ્યા હતા.
Published On - 9:48 pm, Fri, 21 January 22