Australian Open: ડેનિલ મેદવેદેવ (Daniil Medevedev) ને ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલ મેચ રમ્યા પહેલા જ આયોજકોએ સજા ફટકારી છે. ઓસ્ટ્રેલિયન ઓપનના આયોજકોએ યુએસ ઓપન ચેમ્પિયનને સજા તરીકે 8.2 લાખ રૂપિયાનો દંડ ચૂકવવા કહ્યું છે. મેદવેદેવને આ સજા ગ્રીસના સ્ટેફાનોસ સિત્સિપાસ (Stefanose Tsitsipas) સામેની સેમી ફાઈનલ મેચમાં ચેર અમ્પાયર સાથે ગેરવર્તન કરવા બદલ આપવામાં આવી છે.
યુએસ ઓપન ચેમ્પિયન મેદવેદેવે સેમિફાઇનલમાં સ્ટેફાનોસ સિત્સિપાસ(Stefanose Tsitsipas) ને 7-6 (5), 4-6, 6-4, 6-1થી હરાવ્યો હતો. મેદવેદેવ પોતાનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા બાદ આગામી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ જીતનાર ઓપન યુગમાં પ્રથમ ખેલાડી બનવાના ટ્રેક પર છે. જો કે, મેચ દરમિયાન તેણે ચેર અમ્પાયર સાથે અથડામણ કરી કારણ કે, તેને લાગ્યું કે સિત્સિપાસના પિતા તેમના પુત્રને કોચિંગ આપી રહ્યા છે જે નિયમોની વિરુદ્ધ છે.
તેના આ વર્તનને કારણે હવે તેને સજાનો સામનો કરવો પડી રહ્યો છે. મેચ બાદ તેણે ચેર અમ્પાયરની માફી માંગી હતી. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં પણ તેણે કબૂલ્યું કે તેણે ભૂલ કરી હતી. તેમ છતાં, વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમના આયોજકોએ તેને દંડ કરવાનો નિર્ણય લીધો છે. તેને અભદ્ર વર્તન માટે 8000 ડોલર અને રમતની ભાવના વિરુદ્ધ વર્તન માટે 4000 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.
સેમિ-ફાઇનલ મેચ દરમિયાન બીજા સેટમાં સર્વિસ ગુમાવ્યા બાદ તેણે ચેર અમ્પાયર સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે, સિત્સિપાસને દર્શકોમાં બેઠેલા તેના પિતા દ્વારા કોચિંગ આપવામાં આવે છે અને આ માટે ગ્રીસના યુવા સ્ટારને ચેતવણી આપવી જોઈએ. જ્યારે ચેર અમ્પાયરે આનો જવાબ ન આપ્યો તો તે ગુસ્સે થઈ ગયો. તેણે ગુસ્સામાં તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને કહ્યું, ‘આ કોઈ સ્થાનિક ટૂર્નામેન્ટ નથી. તે ઓસ્ટ્રેલિયન ઓપન છે તમે આટલું ખરાબ વર્તન કેવી રીતે કરી શકો.મેદવેદેવ આ સેટ હારી ગયો. મેદવેદેવે ગયા વર્ષે પણ આ જ ગ્રાન્ડ સ્લેમની સેમિફાઇનલમાં સિત્સિપાસને હરાવ્યો હતો. પછી ફાઇનલમાં તેનો સામનો વિશ્વના નંબર વન નોવાક જોકોવિચ (Novak Djokovic) સામે થયો અને તે હારી ગયો. આ વખતે તેને નડાલનો સામનો કરવાનો છે.