NCP અધ્યક્ષ શરદ પવારે (Sharad Pawar, NCP) આજે(મંગળવાર,27 જુલાઈ) મુંબઈમાં પત્રકાર પરિષદ યોજીને પુરથી પ્રભાવિત વિસ્તારોને રાહત સામગ્રી પહોંચાડવાની જાહેરાત કરી છે. પુરથી પ્રભાવિત વિસ્તારના 16 હજાર પરિવારોને રાષ્ટ્રવાદી વેલ્ફેર ટ્રસ્ટ તરફથી કીટ મોકલવામાં આવી છે. પુરગ્રસ્ત વિસ્તાર માટે 250 ડોક્ટરની ટીમને પણ મોકલવાની પણ જાહેરાત કરી છે. ઉપરાંત તેમણે નેતાઓને આ વિસ્તારોની મુલાકાત ટાળવાનું કહ્યું હતું.
શરદ પવારે કહ્યું કે ” મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રીએ પુરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવા માટે જવું જોઈએ. પરંતુ બાકી નેતાઓએ ત્યાં ના જવું જોઈએ. કારણ કે તેઓને કારણે સ્થાનિક પ્રશાસન પર બિનજરૂરી દબાણ પડે છે અને જેમને મદદની જરૂર છે તેમના પરથી ધ્યાન હટી જાય છે.
મેં તો પ્રધાનમંત્રીને પણ મુલાકાત ન લેવા વિનંતી કરી હતી – પવાર
શરદ પવારે વધુમાં કહ્યું હતું કે, “મારો જુનો અનુભવ છે ખાસ કરીને લાતુરનો, વગર કારણે લોકો આવા વિસ્તારોની મુલાકાત લે છે. મારી આવા દરેક લોકોને વિનંતી છે કે પુરગ્રસ્ત પ્રદેશોમાં પ્રશાસન તંત્ર, સ્થાનીય સંસ્થાઓ અને કાર્યકર્તાઓ પુનર્વસનની પ્રક્રિયામાં લાગ્યા હોય છે, તેમનું કામ અટકી જશે. એટલા માટે આવી મુલાકાત ટાળવી જોઈએ.
મને યાદ છે કે જ્યારે લાતુરમાં આવો એક સમય આવ્યો હતો, ત્યારે અમે બધા લોકો કામે લાગી ગયા હતા. તે સમયે પ્રધાનમંત્રી નરસિંહરાવ મુલાકાત લેવા આવવાના હતા, તે સમયે મેં તેમને કોલ કરીને ન આવવા વિનંતી કરી હતી. તેમણે આ વિનંતી સ્વીકારી હતી. હું પણ આવી મુલાકાત લેતો નથી.
રાજ્યપાલની મુલાકાત પર બોલ્યા પવાર
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari, Governor) પણ આજે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા શરદ પવારે કહ્યું કે “મુલાકાતથી લોકોને ધીરજ મળે છે. પરંતુ આવી મુલાકાત વહીવટીતંત્રની કામગીરીમાં વધારો કરે છે. બરાબર છે, રાજ્યપાલ જઈ રહ્યા છે, કેન્દ્ર સાથે તેમના સારા સંબંધો છે. આને કારણે તેઓ વધુ મદદ લાવી શકે છે. રાજ્યપાલનો ઉપયોગ કેન્દ્રની મદદ મેળવવા માટે થવો જોઈએ.”
શરદ પવારના નિવેદન પર દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા
શરદ પવારના નિવેદન પર વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા સામે આવી કે નેતાઓની પૂર પ્રભાવિત વિસ્તારોમાં મુલાકાતથી રેસ્ક્યુ ઓપરેશન પર અસર પડે છે. નેતાઓની દોડધામથી તંત્ર પર દબાણ વધે છે. પરંતુ અમારી મુલાકાતથી તંત્ર પર દબાણ પડતું નથી ઉલ્ટું ફાયદો થયો છે.
એક તો અમે તેમની જરૂરિયાતોને જાણી શકીએ છીએ. જેનાથી જરૂરીયાત મુજબ અમે રાહત સામગ્રી પહોંચાડીએ છીએ. બીજું અમારી મુલાકાતથી શાસકો અને અધિકારીઓ જાગ્યા છે અને યોગ્ય કામગીરી કરતા થયા છે. એટલે કે નેતાઓની મુલાકાતોથી થતા ફાયદા પણ અવગણવા ન જોઈએ. રાજ્ય સરકારે આ આપત્તિઓને કારણે નિર્ણય કર્યો છે કે પ્રશાસન આ નેતાઓની મુલાકાત પર તેમની આગતા – સ્વાગતા પર ધ્યાન ન આપે, તેમજ પ્રોટોકોલનું પાલન ન કરે. પ્રશાસન યોગ્ય કાર્યવાહી શરૂ કરે.
દેવેન્દ્ર ફડણવીસ સ્થાનિક ભાજપ યુવા કાર્યકર્તા દ્વારા એકઠી કરવામાં આવેલી રાહત સામગ્રીને 8 ટ્રેક્ટરમાં ભરીને પુરગ્રસ્ત વિસ્તારોમાં મોકલી રહ્યા હતા. આ પ્રસંગે તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી.