રાજકોટમાં આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો (CM Bhupendra Patel) પ્રવાસ યોજાશે. મુખ્યપ્રધાન બન્યા બાદ રૂપાણીના (Vijay Rupani) મત વિસ્તારમાં પ્રથમ સત્તાવાર કાર્યક્રમ યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના રોડ શોનું (ROAD SHOW) આયોજન કરવામાં આવ્યું છે. એરપોર્ટથી શરૂ કરીને આ રોડ શો ધર્મેન્દ્રસિંહ કોલેજ સુધીનો રહેશે.જોકે આ કાર્યક્રમમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે રોડ શોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય સરકારના પાંચ મંત્રીઓ પણ જોડાશે. અને આ રોડ શોને ફ્લેગ ઓફ પ્રદેશ ભાજપ (BJP) અધ્યક્ષ સી.આર.પાટીલ કરશે.રાજકીય રીતે આ ખૂબ જ સૂચક કાર્યક્રમ છે કારણ કે પ્રથમ વખત પૂર્વ મુખ્યમંત્રીના મત વિસ્તારમાં સીએમ ભુપેન્દ્ર પટેલ,પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એક મંચ પર ઉપસ્થિત રહેશે.
રાજકોટના બે થી અઢી કિલોમીટરના રોડ શોમાં અનેક આકર્ષણના કેન્દ્ર જોવા મળશે. ખુલ્લી જીપમાં સીએમ પટેલ,પૂર્વ સીએમ રૂપાણી સહિત પાંચ રાજ્યના મંત્રીઓ અને શહેર ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. રોડ શોમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ બાઇક સાથે ઘોડે સવાર,વિન્ટેજ કાર સહિતના આકર્ષણના કેન્દ્રો રહેશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.
એક તરફ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે અને બીજી તરફ મુખ્યપ્રધાન રોડ શોનો કોંગ્રેસે વિરોધ કર્યો છે.કોંગ્રેસના નેતાઓએ મુખ્યમંત્રી લોકોના જીવ જોખમમાં મૂકવા આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો અને કોરોનાના કપરાં કાળમાં ભાજપના કાર્યકર્તાઓ સુપરસ્પ્રેડર બનશે તેવો આક્ષેપ કર્યો હતો અને આ રોડ શો રદ્દ કરવાની માંગ કરી હતી.
કોરોનાના કપરાં કાળમાં મુખ્યમંત્રીનો રોડ શો યોજાવાનો છે. ત્યારે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાશે તેવો શહેર ભાજપના અધ્યક્ષ કમલેશ મિરાણીએ દાવો કર્યો હતો.અઢી કિલોમીટરના માર્ગમાં ૮૦ જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જેમાં વિવિધ સંગઠન સમાજના આગેવાનો મુખ્યમંત્રીનું સ્વાગત કરશે.
આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલનો કાર્યક્રમ અંતિમ ઘડીએ નક્કી કરાયો છે. મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ ભાજપના કાર્યકર્તાઓમાં રૂપાણી અને પાટીલ વચ્ચે કોલ્ડવોર ચાલતો હોવાનો એક સૂર ઉઠ્યો હતો. સી.આર.પાટીલે પણ રાજકોટના એક કાર્યક્રમમાં કાર્યર્તાઓને કરેલા સંબોધનમાં રૂપાણી સાથે કોઇ કોલ્ડવોર ન હોવાનો દાવો કર્યો હતો. આવતીકાલે યોજાનાર રોડ-શોમાં પણ પાટીલની હાજરીથી એક રાજકીય સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : કોરોનાની આફત વચ્ચે CM નો રોડ શો: આવતીકાલે રાજકોટમાં રોડ શોનું આયોજન, તંત્રની તૈયારીઓ શરુ
આ પણ વાંચો : રાજ્યમાં સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો: છેલ્લા ચાર દિવસમાં ઝીંકાયો આટલો વધારો
Published On - 12:10 pm, Thu, 30 December 21