પ્રશાંત કિશોરની નિવૃત્તિની જાહેરાતથી કેપ્ટન અમરિંદરસિંઘને લાગ્યો ઝટકો, પીકે વગર કેપ્ટનની મુશ્કેલીઓ વધશે ?
પ્રશાંત કિશોર (PRASHNAT KISHOR) ની લગભગ બે મહિના પહેલા પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંઘે મુખ્યસલાહકાર તરીકે નિમણૂક કરી હતી.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી TMCને જીતાડનાર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે આ ક્ષેત્રમાં નિવૃત્તિની જાહેરાત કરતા જ તેના આ નિર્ણયનો ઝટકો પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંઘને લાગ્યો છે. કારણકે પંજાબમાં આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે એ પહેલા જ પ્રશાંત કિશોર (PRASHANT KISHOR) ની આ ક્ષેત્રમાં નિવૃત્તિની જાહેરાતથી પંજાબ કોંગ્રેસને નુકસાન થવાની ભીતિ છે.
કેપ્ટને પીકેને બનાવ્યા હતા મુખ્ય સલાહકાર પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની જીતથી પંજાબમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પ્રશાંત કિશોર (PRASHANT KISHOR) ને લગભગ બે મહિના પહેલા પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંઘે મુખ્યસલાહકાર તરીકે નિમણૂક કરી હતી. આવતા વર્ષે પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પ્રશાંત કિશોરની નિવૃત્તિને કારણે કોટકપુરા ફાયરિંગ કેસમાં વિપક્ષ અને વિરોધનો સામનો કરી રહેલા કેપ્ટનની સામે નવી મૂંઝવણ ઉભી થઈ છે.
પરિણામ બાદ પીકેએ કરી નિવૃત્તિની જાહેરાત 2 એપ્રિલને રવિવારે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કહ્યું કે હવે તેઓ ચૂંટણીની રણનીતિ નહીં બનાવે કેમ કે તેઓ આ વ્યવસાય છોડી રહ્યા છે. પ્રશાંત કિશોર (PRASHANT KISHOR) એ કહ્યું કે હવે તેઓ જે કામ કરે છે એ આગળ શરૂ રાખવા માંગતા નથી. તેમણે કહ્યું, “હવે જીવનમાં થોડો સમય વિરામ લેવાનો અને બીજું કંઈક કરવાનો આ સમય છે. મારે આ સ્થાન છોડવું છે.” રાજકારણમાં પાછા ફરવાના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, “હું એક નિષ્ફળ નેતા છું. હું પાછો જઈશ અને મારે શું કરવાની જરૂર છે તે જોઈશ”
પંજાબ કોંગ્રેસમાં પ્રશાંતનો થયો હતો વિરોધ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે પ્રશાંત કિશોર (PRASHANT KISHOR) ને પોતાના મુખ્ય રાજકીય સલાહકાર બનાવ્યા પછી તેમણે રાજ્યના કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક બોલાવી હતી અને તેઓનો પ્રતિસાદ લીધો હતો. ઘણા ધારાસભ્યો રોષે ભરાયા હતા. ધારાસભ્યોએ કહ્યું કે પ્રશાંત વતી તેમને બોલાવવા અને પૂછપરછ અથવા માહિતી મેળવવી એ સાબિત કરે છે કે પ્રશાંત હવે કેપ્ટન અમરિંદર સિંહ અને રાજ્યના કોંગ્રેસ પ્રમુખ સુનિલ જાખડ કરતા મોટા થઇ ગયા છે.
આ બેઠક બાદ ખુલાસો થયો હતો કે પ્રશાંત કિશોરે પાર્ટી હાઈકમાન્ડને લગભગ 30 ધારાસભ્યોની સૂચિ સુપ્રત કરી અને ભલામણ કરી હતી કે આ ધારાસભ્યોને 2022 માં ટિકિટ ન આપવામાં આવે. આ સમાચાર મીડિયામાં આવતાની સાથે જ રાજ્યના કોંગ્રેસ ધારાસભ્યો રોષે ભરાયા હતા.
પીકે વગર કેપ્ટનની મુશ્કેલીઓ વધશે ? પ્રશાંત કિશોરની નિવૃત્તિને કારણે કોટકપુરા ફાયરિંગ કેસમાં વિપક્ષ અને વિરોધનો સામનો કરી રહેલા કેપ્ટનની સામે નવી મૂંઝવણ ઉભી થઈ છે. બીજી બાજુ પૂર્વ કેબીનેટ પ્રધાન નવજોતસિંઘ સિદ્ધુ પણ હવે ખુલીને મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંઘની સામે પડ્યા છે. આવામાં પ્રશ્ન એ થાય છે પીકેને આધારે 2022ની ચૂંટણી જીતવાના અભરખા રાખનારા કેપ્ટનને પીકે વગર કેટલી મુશ્કેલીઓ વધશે?