
જેમ યોગ્ય સ્માર્ટફોન ખરીદવો જરૂરી છે તેમ તેના માટે સાચું કવર પસંદ કરવું પણ એટલું જ અનિવાર્ય છે. મોટાભાગના લોકો માત્ર દેખાવ અને સસ્તું કવર જોઈને ખરીદી લેતા હોય છે પરંતુ આ નાનકડી ભૂલ તમારા ફોનના પોર્ટ્સ બટન્સ અને સ્ક્રીનને મોટું નુકસાન પહોંચાડી શકે છે. ફોનનું કવર વાસ્તવમાં સુરક્ષા કવચ હોવું જોઈએ નહીં કે નુકસાનનું કારણ.

મટીરિયલની પસંદગીમાં ન કરો ભૂલ: ફોન કવરનું મટીરિયલ લવચીક હોવું જોઈએ જેથી તે અચાનક લાગતા ઝટકાને સહન કરી શકે. પ્લાસ્ટિકના કવર દેખાવમાં પાતળા અને સ્ટાઇલિશ લાગે છે પણ તે પડતાની સાથે જ તૂટી જાય છે અને ફોનને સુરક્ષા આપી શકતા નથી.

સિલિકોન કવર પકડવામાં નરમ હોય છે પણ તે ધૂળને જલ્દી ખેંચે છે. હંમેશા એવું કવર પસંદ કરો જેના કિનારા અને કેમેરા લેન્સ પાસેનો ભાગ થોડો ઉભરેલો હોય. જો ફોન સ્ક્રીનના બળે નીચે પડે તો આ ઉભરેલા કિનારા જમીન અને સ્ક્રીન વચ્ચે અંતર રાખે છે અને ડિસ્પ્લે બચાવે છે.

ગેમિંગ કરનારાઓ માટે ખાસ ચેતવણી: જો તમે ફોન પર વધારે ગેમ રમો છો કે સતત વીડિયો જુઓ છો તો બહુ જાડા કે ભારે કવરથી દૂર રહેવું જોઈએ. આવા ભારે કવર ફોનની અંદર પેદા થતી ગરમીને બહાર નીકળવા દેતા નથી. ફોન ગરમ થવાને કારણે તેની બેટરી લાઈફ ઝડપથી ઘટે છે અને ફોન હેંગ થવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે.

ફિટિંગ અને બટન્સની ચોકસાઈ: કવર ખરીદતી વખતે ચાર્જિંગ પોર્ટ અને બટન્સ પાસેના કટ આઉટ્સ તપાસવા ખૂબ જરૂરી છે. જો કવરની ફિટિંગ બરાબર નહીં હોય તો ચાર્જર લગાવતી વખતે પોર્ટ પર દબાણ આવશે જે લાંબા ગાળે ચાર્જિંગ પોર્ટને નુકસાન પહોંચાડી શકે છે. તેવી જ રીતે બટન્સ દબાવવામાં જો મહેનત કરવી પડતી હોય તો તે કવર તમારા ફોન માટે યોગ્ય નથી.