
શિયાળાની ઋતુમાં શરદી-ખાંસી જેવી સમસ્યાઓ સામાન્ય છે, પરંતુ ઘણા લોકો માટે આંગળીઓ અને અંગૂઠામાં થતો સોજો અને દુખાવો પણ મોટું કારણ બની જાય છે. ઠંડીના કારણે આંગળીઓમાં રક્ત પરિભ્રમણ ઘટે છે, જેના પરિણામે સોજો, દુખાવો, ખંજવાળ અને ક્યારેક ફોલ્લા પણ થઈ શકે છે. આ સમસ્યા ખાસ કરીને લાંબા સમય સુધી ઠંડીના સંપર્કમાં રહેતા લોકોમાં વધુ જોવા મળે છે.

આંગળીઓ અને અંગૂઠામાં સોજો આવવાનું કારણ અયોગ્ય કપડાં પહેરવું, પૂરતું પાણી ન પીવું, તાપમાનમાં અચાનક ફેરફાર (જેમ કે ખૂબ ઠંડા હાથને અચાનક આગ પર ગરમ કરવું) હોઈ શકે છે. ઉપરાંત, યુરિક એસિડ, ડાયાબિટીસ, સંધિવા અથવા હોર્મોનલ અસંતુલન ધરાવતા લોકોને આ સમસ્યા વધુ અસર કરી શકે છે. આવી સ્થિતિમાં કેટલાક સરળ ઘરેલું ઉપાયો રાહત આપી શકે છે.

જો ઠંડા પાણીના સંપર્કને કારણે આંગળીઓ અને અંગૂઠામાં સોજો આવ્યો હોય, તો ગરમ પાણીમાં સિંધવ મીઠું અથવા ફટકડી નાખીને તેમાં હાથ અને પગ થોડા સમય માટે પલાળી રાખો. બાદમાં ટુવાલથી સારી રીતે લૂછી લો અને પીડા રાહત આપતું મલમ અથવા મોઇશ્ચરાઇઝર લગાવો. પછી તરત જ સુતરાઉ કાપડ કે મોજા પહેરી લો. આ ઉપાયથી સોજો અને દુખાવામાં નોંધપાત્ર રાહત મળે છે.

તેલથી માલિશ કરવી પણ ખૂબ ફાયદાકારક છે. સરસવના તેલમાં હળદર, લસણ, અજમા અને લવિંગ ઉમેરીને તેને હળવેથી ગરમ કરો. તેલ ઠંડું થાય પછી ગાળી લો અને અસરગ્રસ્ત જગ્યાએ નરમાઈથી માલિશ કરો. માલિશ બાદ મોજા પહેરવાથી ગરમી જળવાઈ રહે છે અને દુખાવો ઘટે છે.

શિયાળામાં દાદીમાઓ અપનાવતો એક અસરકારક ઉપાય એ છે કે ગરમ સરસવના તેલમાં હળદર અને મીઠું ભેળવી પેસ્ટ બનાવીને આંગળીઓ અને અંગૂઠા પર લગાવવી. ત્યારબાદ કપડું લપેટી રાખવાથી સોજો અને દુખાવામાં રાહત મળે છે.

આ ઉપરાંત, હળદરવાળું નવશેકું દૂધ પીવું પણ ખૂબ લાભદાયક છે. દરરોજ દૂધમાં હળદર અને થોડું કાળું મરી ઉમેરીને પીવાથી સ્નાયુઓની જડતા ઓછી થાય છે અને સોજો તથા સાંધાના દુખાવામાં રાહત મળે છે.

સોજો અને દુખાવો વધે નહીં તે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. મીઠાનો ઉપયોગ ઓછો કરો, પૂરતું પાણી પીવો અને ઠંડીના વધુ સંપર્કથી બચો. હાથ અને પગ હંમેશા ગરમ રાખવા મોજા પહેરો. હળવી કસરત, ખેંચાણ અને ચાલવાની ટેવ રાખો. આંગળીઓને સીધા સૂર્યપ્રકાશમાં રાખવાનું ટાળો. જો સોજો લાંબા સમય સુધી રહે અથવા વધે, તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફકત આપની જાણકારી માટે છે.)