
ભારત પોતાની ચાંદીની જરૂરિયાતોનો મોટો હિસ્સો વિદેશથી આયાત કરીને પૂરો કરે છે. આ વધતા આયાત બિલ (ઈમ્પોર્ટ બિલ) પર અંકુશ મેળવવા માટે બજારને એવી અપેક્ષા છે કે, આગામી સામાન્ય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) વધારી શકે છે. આ આશંકાએ બજારમાં પહેલેથી જ હલચલ મચાવી દીધી છે અને તેના કારણે ચાંદી અત્યારે ભારે પ્રીમિયમ પર કારોબાર કરી રહી છે.

આંકડાઓ મુજબ, ડિસેમ્બરમાં ચાંદીની આયાત (ઈમ્પોર્ટ) અગાઉના મહિનાની સરખામણીએ 79.7 ટકા વધીને 0.76 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. બીજી તરફ, એપ્રિલથી ડિસેમ્બરના સમયગાળામાં ચાંદીની આયાત વાર્ષિક ધોરણે અંદાજે 129 ટકા ઉછળીને 7.77 અબજ ડોલર થઈ ગઈ છે, જ્યારે એક વર્ષ પહેલા સમાન ગાળામાં આ આંકડો 3.39 અબજ ડોલર રહ્યો હતો. સામાન્ય રીતે તહેવારોની મોસમમાં ચાંદીની આયાત તેની ટોચ પર હોય છે પરંતુ આ વર્ષે તહેવારોની સીઝન પૂરી થયા પછી પણ આ પ્રકારે થયેલો તીવ્ર વધારો ચિંતાજનક છે.

ગયા વર્ષના બજેટમાં સરકારે ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) 12 ટકાથી ઘટાડીને 6 ટકા કરી દીધી હતી. આ નિર્ણયનો મુખ્ય હેતુ દાણચોરી (તસ્કરી) પર અંકુશ મેળવવો અને સ્થાનિક બજાર માટે આ ધાતુને વધુ આકર્ષક બનાવવાનો હતો. હાલમાં, 6 ટકા કસ્ટમ ડ્યુટી અને 3 ટકા GST મળીને ચાંદીની લેન્ડેડ કોસ્ટ (પડતર કિંમત) નક્કી કરવામાં આવે છે, જેના આધારે દેશમાં તેની ખરીદ-વેચાણ થાય છે.

જો કે, માંગમાં તીવ્ર ઉછાળાને કારણે ચાંદીની આયાત અચાનક વધી ગઈ છે. આ બાબતને ધ્યાનમાં લેતા બજારમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, સરકાર ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) વધારી શકે છે. આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ સંકેતો મળ્યા નથી. ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના ભાવિક પટેલનું કહેવું છે કે, વર્તમાન સ્થિતિને જોતા ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારાની શક્યતાને નકારી શકાય તેમ નથી. તેમણે ઉમેર્યું હતું કે, “આ જ આશંકાને કારણે બુલિયન ડીલરો પહેલેથી જ કિંમતો પર પ્રીમિયમ વસૂલી રહ્યા છે.”

ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફાઉન્ડેશનના નેશનલ જનરલ સેક્રેટરી નિતિન કેડિયાને ડર છે કે, ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) વધીને 15 ટકા સુધી પણ જઈ શકે છે. તેમના જણાવ્યા અનુસાર, “પહેલા બજારમાં 3–4 ટકા ડ્યુટી વધવાની અફવા હતી પરંતુ જ્યારે ચાંદી પરનું પ્રીમિયમ વધીને અંદાજે 13 ટકા સુધી પહોંચી ગયું, ત્યારે કેટલાક લોકો 15 ટકા ડ્યુટી વિશે વાત કરવા લાગ્યા છે.”

21 જાન્યુઆરીના રોજ MCX પર ચાંદીના વાયદા ભાવ સ્પોટ અને લેન્ડેડ કિંમતોની સરખામણીએ પ્રતિ કિલોગ્રામ 40,000 રૂપિયાથી વધુના પ્રીમિયમ પર કારોબાર કરી રહ્યા હતા. આ અસામાન્ય સ્થિતિને જોતા ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફાઉન્ડેશને નાણા મંત્રાલયને પત્ર લખીને કિંમતોમાં કથિત રીતે થઈ રહેલ મેનીપ્યુલેશનની તપાસ કરવાની માંગ કરી છે.

પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, “MCX પર ચાંદી અંદાજે 40,000 રૂપિયાના પ્રીમિયમ પર કારોબાર કરી રહી છે. બજારમાં એવી માન્યતા છે કે, આ આગામી ઇમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) માં વધારાની અફવાઓનું પરિણામ છે. મળતી માહિતી મુજબ, MCX પર જોવા મળી રહેલું ઊંચું પ્રીમિયમ એ તરફ ઇશારો કરે છે કે, બજેટમાં ડ્યુટી વધી શકે છે. એવામાં તેમણે એવી ચેતવણી પણ આપી હતી કે, જો ઇમ્પોર્ટ ડ્યુટી વધારીને 15 ટકા સુધી કરવામાં આવે, તો તેનાથી 'ડ્યુટી આર્બિટ્રાજ' (Duty Arbitrage) ની સમસ્યા ઊભી થઈ શકે છે.

ફાઉન્ડેશને નાણા મંત્રાલયને પત્ર લખતા પહેલા માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) ને પણ ચાંદીના ભાવમાં જોવા મળતી વધ-ઘટની તપાસ કરવા વિનંતી કરી હતી. જો કે, અત્યાર સુધી રેગ્યુલેટર (નિયામક) તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. ઊંચા પ્રીમિયમની અસર ઝવેરીઓ અને બુલિયન વેપારીઓની વર્કિંગ કેપિટલ (કાર્યકારી મૂડી) પર પણ પડી છે.

કેડિયાના જણાવ્યા અનુસાર, “અમે સામાન્ય રીતે ફિઝિકલ ચાંદીનો સ્ટોક રાખીએ છીએ અને એક્સચેન્જ પર પોઝિશન વેચીને હેજિંગ (Hedging) કરીએ છીએ. એવામાં જ્યારે પ્રીમિયમ 40,000 રૂપિયા સુધી પહોંચી જાય છે, ત્યારે વર્કિંગ કેપિટલ પર ભારે દબાણ આવે છે. છેલ્લા 7-8 મહિનામાં ચાંદીના ભાવ પહેલેથી જ 3 ગણા થઈ ચૂક્યા છે, આવી સ્થિતિમાં પરિસ્થિતિને સંભાળવી મુશ્કેલ બની જાય છે.”

આ દરમિયાન, આજે MCX પર ચાંદીના વાયદા ભાવ ફરી એકવાર નવા રેકોર્ડ સ્તરે 3,39,927 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા છે. હવે બજારની નજર એ વાત પર ટકેલી છે કે, શું બજેટ આ તેજી (રેલી) પર બ્રેક લગાવશે કે ચાંદીની ચમક અત્યારે આ જ રીતે જળવાઈ રહેશે?