
બેન્કિંગ સેક્ટરમાં અત્યારે એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અમીર અને સંપન્ન લોકોમાં પર્સનલ લોન લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. લોકો પોતાની એફડી (FD) કે લાંબા ગાળાનું રોકાણ તોડવાને બદલે પર્સનલ લોન લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ચાલો જાણીએ કે આ પાછળના મુખ્ય કારણો શું છે.

શું બદલાયું છે?: નિષ્ણાંતના બતાવ્યાં અનુસાર લોન લેનારા ગ્રાહકોની પ્રોફાઇલ હવે બદલાઈ રહી છે. પહેલા પર્સનલ લોન માત્ર જરૂરિયાતમંદ વર્ગ સુધી સીમિત હતી, પરંતુ હવે તે 'સુવિધા' અને 'ઝડપી નાણાં' મેળવવાનું સાધન બની ગઈ છે.

શા માટે લોકો રોકાણ તોડતા નથી?: નિષ્ણાતોનું માનવું છે કે લોકો પોતાના મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય રોકાણોમાં હાથ નાખવા માંગતા નથી. તેઓ માને છે કે રોકાણ પર મળતું વળતર લોનના વ્યાજ કરતા વધુ ફાયદાકારક હોઈ શકે છે. પર્સનલ લોન લેવાને હવે સામાજિક રીતે ખરાબ (Taboo) માનવામાં આવતું નથી.

શા માટે વધી રહ્યો છે પર્સનલ લોનનો ક્રેઝ?: ઝડપી પ્રક્રિયા: ટેકનોલોજીને કારણે હવે પર્સનલ લોનનો નિર્ણય માત્ર 10-15 સેકન્ડમાં થઈ જાય છે. સોફ્ટવેર સીધું ક્રેડિટ બ્યુરો સાથે જોડાયેલું હોવાથી પેપરવર્ક વગર તરત જ લોન મંજૂર થાય છે.

ઓછો વ્યાજ દર: જે ગ્રાહકોનો બેંક સાથે જૂનો અને સારો સંબંધ છે, બેંકો તેમને સિંગલ ડિજિટ (10% થી પણ ઓછા) વ્યાજ દરે લોન આપવા તૈયાર છે.

વિવિધ જરૂરિયાતો: લોકો હવે માત્ર મેડિકલ ઈમરજન્સી માટે જ નહીં, પણ ઘરનું સમારકામ, ઉચ્ચ અભ્યાસ, વિદેશ પ્રવાસ અને ભવ્ય લગ્નો માટે પણ બિન્દાસ્ત લોન લઈ રહ્યા છે.

બેંકોનું બદલાયેલું વલણ: RBIની કડકાઈ બાદ બેંકો હવે નાના લોન એપને બદલે ભરોસાપાત્ર અને જૂના ગ્રાહકો પર વધુ ધ્યાન આપી રહી છે. જો ગ્રાહકનો ક્રેડિટ રેકોર્ડ સારો હોય અને બેંક સાથે લાંબો વ્યવહાર હોય, તો બેંક સામે ચાલીને આકર્ષક લોન ઓફર કરે છે.

ટેકનોલોજી અને બદલાતી જીવનશૈલીને કારણે પર્સનલ લોન હવે લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટનું સાધન બની ગઈ છે. લોકો પોતાની બચત સુરક્ષિત રાખીને વર્તમાન ખર્ચાઓ માટે લોનનો માર્ગ અપનાવી રહ્યા છે.