
સોનાને હંમેશા સુરક્ષિત અને કિંમતી સંપત્તિ તરીકે જોવામાં આવે છે. તેથી લોકો મહેનતથી બચત કરીને સોનું ખરીદે છે અને પોતાના ઘરે રાખે છે. પરંતુ કેટલાક ઘરોમાં સોનું લાંબા સમય સુધી ટકી શકતું નથી. ઘણી વખત દાગીના તૂટી જાય છે, ગુમ થઈ જાય છે અથવા પરિસ્થિતિને કારણે તેને વેચવાની જરૂર પડે છે.

ઘરમાં સોનું ટકતું ન હોવું કેટલીક વખત વાસ્તુ સાથે જોડાયેલ સમસ્યાનું સંકેત માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, તેના પાછળ અનેક આધ્યાત્મિક અને ઊર્જા સંબંધિત કારણો હોઈ શકે છે. આવો જાણીએ કે કયા કારણોસર ઘરમાં સોનું લાંબા સમય સુધી ટકી શકતું નથી.

વાસ્તુશાસ્ત્ર મુજબ જે ઘરમાં સફાઈનું ધ્યાન રાખવામાં આવતું નથી, ગંદકી, કચરો અથવા તૂટેલી વસ્તુઓ વધારે હોય છે ત્યાં નકારાત્મક ઊર્જા વધે છે. એવી માન્યતા છે કે માતા લક્ષ્મી સ્વચ્છ અને સકારાત્મક વાતાવરણવાળા ઘરમાં જ નિવાસ કરે છે. તેથી આવા ઘરમાં ધન અને સોનાની સ્થિરતા ઓછી રહેતી હોવાનું માનવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ દરેક દિશાનો અલગ પ્રભાવ માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે સોનું અને ચાંદી જેવી કિંમતી વસ્તુઓ દક્ષિણ અથવા દક્ષિણપૂર્વ દિશામાં રાખવી શુભ માનાતી નથી. કહેવાય છે કે આ દિશામાં રાખેલ ધન લાંબા સમય સુધી ટકતું નથી, તેથી સંપત્તિને સુરક્ષિત અને સ્થિર રાખવા માટે યોગ્ય દિશામાં રાખવાની સલાહ આપવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ મુજબ ઉધારના પૈસા અથવા દેવું કરીને ખરીદેલું સોનું શુભ માનવામાં આવતું નથી. એવી માન્યતા છે કે આવું સોનું ઘરમાં લાંબા સમય સુધી ટકતું નથી અને ક્યારેક આર્થિક મુશ્કેલીઓ પણ વધારી શકે છે. તેથી સોનું હંમેશા પોતાની ક્ષમતા મુજબ અને ઈમાનદારીથી કમાયેલા પૈસાથી ખરીદવું વધુ શુભ ગણાય છે.

જ્યોતિષ માન્યતા અનુસાર, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર અને ગુરુ ગ્રહ કમજોર સ્થિતિમાં હોય, તો તેની પાસે ધન અને સોનું લાંબા સમય સુધી ટકી રહેતું નથી. કહેવાય છે કે આવી સ્થિતિમાં વ્યક્તિ સોનું ખરીદે તો પણ તે સાચવી શકાતું નથી અથવા કોઈને કોઈ કારણસર ખર્ચાઈ જાય છે. ( નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ તેમજ જ્યોતિષ શાસ્ત્રના આધારે છે TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી )