
રાત્રે જ્યારે ચારે તરફ અંધારુ છવાઈ જાય છે અને એકદમ સન્નાટો હોય છે એવી સમયે અચાનક કુતરાઓના રડવાના અવાજો આવવા લાગે છે. આવા અવાજો સાંભળતાની સાથે જ લોકોના મનમાં સવાલ થાય છે કે આખરે આ કુતરા કોને જોઈને રડી રહ્યા છે.

ગામ અને નાનકડા શહેરોમાં આજે પણ એવુ માનવામાં આવે છે કે રાત્રે કુતરાના રડવાનો મતલબ કંઈક અઘટિત કે ભૂત-પ્રેતની હાજરી હોઈ શકે છે પરંતુ શું તેઓ ખરેખર ભૂત કે આત્માને જોઈ શકે છે? શું તેનુ રડવુ એ કંઈ આફત આવવાનો સંકેત હોય છે? તેનુ કોઈ નકકર વૈજ્ઞાનિક પુરાવો તો નથી.

અમેરિકન કેનેલ ક્લબ (AKC) અનુસાર આ પ્રકારનો અવાજ કુતરા માટે એકબીજા સાથે વાતચીત કરવાની રીત પણ હોઈ શકે છે. તેઓ અન્ય કુતરાને સંકેત આપવા અથવા પોતાની હાજરી અને સ્થાનની જાણ કરવા માટે આવા અવાજોનો ઉપયોગ કરી શકે.

દરેક વખતે કુતરાના રડવાનો અવાજ સાંભળીને તેને કોઈ ભૂત-પ્રેત કે અપશુકન સાથે જોડવુ યોગ્ય નથી. તેની પાછળ તદ્દન સામાન્ય કારણો હોઈ શકે છે.

એવુ નથી કે કુતરા માત્ર રાત્રે જ રડે છે પરંતુ રાત્રે આસપાસ અન્ય અવાજો ન હોવાથી અને વાતાવરણ શાંત હોવાથી કુતરાનો અવા દૂર સુધી સ્પષ્ટ રીતે સંભળાય છે.

કુતરાની શ્રવણેન્દ્રીય, સાંભળવાની ક્ષમતા મનુષ્યો કરતા ક્યાંય વધુ હોય છે. આ જ કારણ છે કે ક્યારેક મનુષ્યો માટે જે અવાજો અશ્રાવ્ય હોય છે તે અવાજો કુતરા સાંભળી શકે છે અને બની શકે કે રાતના શાંત વાતાવરણમાં આ અવાજોને તેના કાન પકડી લેતા હોય અને તેઓ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા હોય છે.

જો કોઈ શ્વાાન લાંબા સમય સુધી એકલો રહે છે, તો તે તેના માલિક અથવા અન્ય કૂતરાઓને બોલાવવા માટે રડે છે. કેટલાક કૂતરાઓમાં એકલા પડી જવાની કે અલગ થઈ જવાની ચિંતા- એન્ઝાયટી હોય છે. AKC અનુસાર, એકલતા અને ચિંતા કૂતરાઓમાં રડવાના કારણો હોઈ શકે છે.

કૂતરા તેની આસપાસના વાતાવરણ પ્રત્યે ખૂબ સજાગ હોય છે. જો તે કોઈ અજાણી વ્યક્તિ, અન્ય પ્રાણી અથવા કોઈપણ અસામાન્ય હિલચાલ અનુભવે છે, તો તે રડવા રૂપે પ્રતિક્રિયા આપી શકે છે.

કેટલાક કૂતરાઓ અન્ય પ્રાણીઓને સંકેત આપવા માટે પણ રડી શકે છે કે તેઓ પહેલાથી જ આ વિસ્તારના માલિક છે. VCA અનુસાર, રડવું એ પ્રદેશ સૂચવવા અને અન્ય પ્રાણીઓને દૂર રાખવા માટેનું કારણ પણ હોઈ શકે છે.

જો કોઈ કૂતરો સામાન્ય રીતે શાંત હોય છે પરંતુ અચાનક રાત્રે રડવાનું શરૂ કરી દે તો તેને અવગણવું જોઈએ નહીં. અમેરિકન કેનલ ક્લબ અને VCA એનિમલ હોસ્પિટલ્સ બંનેના મતે, સામાન્ય કરતાં અચાનક અથવા વારંવાર રડવું ક્યારેક પીડા અથવા શારીરિક સમસ્યા સાથે સંકળાયેલું હોઈ શકે છે.

જો તેની સાથે કુતરાના વર્તનમાં બેચેની, ખાવાનું ઓછું કરી દેવુ, સુસ્તી, ચાલવામાં મુશ્કેલી અથવા વર્તનમાં અચાનક ફેરફાર આવે, તો પશુચિકિત્સકની સલાહ લેવી જરૂર છે.

કુતરાઓના રડવા સાથે ભૂત અથવા તો આવનારી દુર્ઘટના સાથે જોડતી માન્યતાઓ પ્રાચીન છે. આનું એક કારણ એ હોઈ શકે છે કે કૂતરાઓ એવા અવાજો અને હલનચલનનો પ્રતિભાવ આપે છે જે માણસો તરત જ સમજી શકતા નથી.

અમેરિકન કેનલ ક્લબ એમ પણ જણાવે છે કે ઘણી સંસ્કૃતિઓમાં કૂતરાના રડવાને મૃત્યુ અથવા દુર્ઘટના સાથે જોડતી માન્યતાઓ છે. જો કે, એવા કોઈ પુરાવા નથી કે કૂતરાના રડવાથી વ્યક્તિના મૃત્યુની આગાહી થાય છે.

આનો અર્થ એ છે કે કૂતરો રાત્રે એવી કોઈ વસ્તુ પર પ્રતિક્રિયા આપી શકે છે જે માણસો સાંભળી કે જોઈ શકતા નથી, પરંતુ આનો અર્થ એ નથી કે તે ભૂત, આત્મા કે યમરાજને જોઈ રહ્યો છે.

હવે જ્યારે કુતરાને રડતા જુઓ તો પહેલા આસપાસના વાતાવરણ પર ધ્યાન આપો. તે બીજા કુતરાના અવાજ, સાયરન અથવા અન્ય અવાજો પર ધ્યાન આપીને રડતો હોઈ શકે.