
ઓનલાઈન કોઈ સામાન મંગાવતી વખતે કે ઘરનો સામાન પેક કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલતી વખતે સામાન્ય રીતે એક વસ્તુ સર્વત્ર નજરે પડે છે—ભૂરા (બ્રાઉન) રંગનું કાર્ટૂન બોક્સ. બોક્સ નાનું હોય કે મોટું, પેકેજિંગ માટે મોટાભાગે આ જ રંગ વપરાય છે. ત્યારે મનમાં પ્રશ્ન થાય કે આ બોક્સ હંમેશાં ભૂરા રંગના જ કેમ હોય છે? શું તેને અન્ય કોઈ આકર્ષક રંગમાં ન બનાવી શકાય? હકીકતમાં, આ રંગ પાછળ કાગળ બનાવવાની કુદરતી પ્રક્રિયા, ઉત્પાદન ખર્ચ, બોક્સની મજબૂતી અને રિસાઇકલિંગ જેવા મહત્વપૂર્ણ પરિબળો રહેલા છે.

ભૂરા રંગનું બોક્સ જ કેમ બનાવાય છે? કાર્ટૂન બોક્સ સામાન્ય રીતે 'ક્રાફ્ટ પેપર' (Kraft Paper) માંથી બનાવવામાં આવે છે. આ કાગળ લાકડાના રેસા એટલે કે સેલ્યુલોઝમાંથી તૈયાર થાય છે. કાગળ બનાવવાની પ્રક્રિયા દરમિયાન તેને રાસાયણિક બ્લીચિંગ દ્વારા એકદમ સફેદ કરવાને બદલે તેના કુદરતી રંગની નજીક જ રાખવામાં આવે છે. લાકડાના પલ્પના કુદરતી ગુણધર્મના કારણે ક્રાફ્ટ પેપરનો રંગ આછો ભૂરો કે માટી જેવો દેખાય છે. એટલે કે આ ભૂરો રંગ કોઈ અલગથી ચડાવવામાં આવેલો રંગ નથી, પરંતુ તે કાગળની પોતાની કુદરતી ઓળખ છે.

મોંઘા ગિફ્ટ બોક્સ કે કોસ્મેટિક પ્રોડક્ટ્સનું પેકેજિંગ ખૂબ ચમકદાર અને રંગબેરંગી હોય છે, પરંતુ રોજિંદા માલસામાનના વહન માટે વપરાતા બોક્સનો મુખ્ય હેતુ સામાનને સુરક્ષિત રાખવાનો હોય છે. આ બોક્સ પર ચમકદાર ફિનિશિંગ કે કલર આપવાની જરૂરિયાત હોતી નથી. જો આવા સામાન્ય બોક્સને પણ રંગીન કે સફેદ બનાવવામાં આવે, તો વધારાનું કેમિકલ પ્રોસેસિંગ, બ્લીચિંગ, શાહી અને કાગળનો ખર્ચ વધી જાય, જે મોટા પાયે પેકેજિંગ કરતી કંપનીઓ માટે આર્થિક રીતે મોંઘું સાબિત થાય.

ભૂરા બોક્સ અત્યંત મજબૂત હોય છે: કાર્ટૂન બોક્સ ભૂરા રાખવા પાછળનું બીજું મહત્વનું કારણ તેની મજબૂતી છે. ક્રાફ્ટ પેપરમાં રહેલા લાંબા અને મજબૂત ફાઇબર્સ ભારે વજન ઉઠાવવા માટે ખૂબ અનુકૂળ હોય છે. આ જ કાગળના અનેક સ્તરો ભેગા કરીને 'કોરુગેટેડ કાર્ડબોર્ડ' (Corrugated Cardboard) તૈયાર કરાય છે. તેમાં સપાટ સ્તરોની વચ્ચે લહેરદાર (તરંગ આકારનું) સ્તર મૂકવામાં આવે છે, જે મુસાફરી દરમિયાન સામાન પર આવતા દબાણ અને આંચકાઓને સહન કરી લે છે. આ જ કારણથી ઇલેક્ટ્રોનિક સાધનો, પુસ્તકો, કપડાં અને ઓનલાઇન સામાનની ડિલિવરી માટે આવા બોક્સ સૌથી વધુ ભરોસાપાત્ર મનાય છે.

શું દરેક કાર્ટૂન બોક્સ ભૂરા રંગનું જ હોય છે? ના, એવું ફરજિયાત નથી કે દરેક બોક્સ ભૂરા રંગનું જ હોય. ઘણી બ્રાન્ડ્સ પોતાના પ્રમોશન અને બ્રાન્ડિંગ માટે લાલ, વાદળી, કાળો, સફેદ કે અન્ય રંગોનું પ્રિન્ટિંગ કરાવતી હોય છે. કેટલાક બોક્સ સંપૂર્ણપણે રંગીન પણ હોય છે. છતાં પણ સાદા પેકેજિંગ માટે નેચરલ ક્રાફ્ટ પેપર સૌથી સસ્તો, ઉપયોગી અને ટકાઉ વિકલ્પ સાબિત થતો હોવાથી બ્રાઉન બોક્સનો દબદબો કાયમ છે.

રિસાઇકલિંગ સાથે પણ સીધો સંબંધ: ભૂરા કાર્ડબોર્ડ બોક્સનો મોટો ફાયદો એ છે કે તેને સરળતાથી રિસાઇકલ કરી શકાય છે. વપરાયેલા જૂના પૂંઠામાંથી ફરીથી નવો કાગળ કે પેપર-બોર્ડ બનાવી શકાય છે. જોકે, માત્ર રંગ જોઈને રિસાઇકલિંગ નક્કી થતું નથી, બોક્સ પર લાગેલી પ્લાસ્ટિક કોટિંગ, ટેપ અને ગુંદર પણ મહત્વના છે, છતાં સામાન્ય બ્રાઉન કાર્ડબોર્ડનું રિસાઇકલિંગ માળખું વિશ્વભરમાં ખૂબ મજબૂત છે.

જનમાનસમાં બની ગઈ છે કાયમી ઓળખ: દાયકાઓથી પેકેજિંગમાં બ્રાઉન બોક્સ વપરાતા હોવાથી લોકોના મનમાં એક મનોવૈજ્ઞાનિક છાપ બેસી ગઈ છે કે ભૂરા રંગનું બોક્સ એટલે અંદર કોઈ સુરક્ષિત સામાન પેક થયેલો છે. આથી, રંગીન પેકેજિંગના આજના યુગમાં પણ ઓછી કિંમત, ટકાઉપણું, પર્યાવરણ અનુકૂળતા અને આંતરિક મજબૂતીના કારણે સાદું ભૂરા રંગનું કાર્ટૂન બોક્સ વિશ્વભરમાં નિર્વિવાદપણે પ્રથમ પસંદગી બની રહ્યું છે.